મહાનુભાવોની ઉપસ્થિતિ:રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સહિતના દિગ્ગજ નેતાઓ અંતિમવિધિમાં જોડાય તેવી પ્રબળ શક્યતા.
તૈયારીઓને આખરી ઓપ:વડોદરા મહાનગરપાલિકા દ્વારા ખાસવાડી સ્મશાન ખાતે સફાઈ અને રંગરોગાનની કામગીરી હાથ ધરાઈ.
તંત્ર એલર્ટ:પાલિકાના નિર્દેશ મુજબ ઇજારદારો દ્વારા તમામ આવશ્યક વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે.
વડોદરા: વડોદરાના સ્વર્ગીય ધારાસભ્ય યોગેશભાઈ પટેલના નિધનથી સમગ્ર શહેરમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. તેમના દેહને આવતીકાલે અંતિમ વિદાય આપવામાં આવશે. તેમની અંતિમ ક્રિયા શહેરના ખાસવાડી સ્મશાન ગૃહ ખાતે સંપન્ન થશે.
🧐તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા:
આ અંતિમ વિધિમાં મુખ્યમંત્રી, ગૃહમંત્રી તેમજ રાજ્ય સરકારના અન્ય મંત્રીઓ અને મહાનુભાવોની ઉપસ્થિતિ રહેવાની સંભાવના હોવાથી ખાસવાડી સ્મશાન ગૃહ ખાતે વહીવટી તંત્ર દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. આજે દિવસ દરમિયાન સ્મશાન ગૃહની આસપાસ સઘન સફાઈ અને રંગરોગાન સહિતની કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવી રહી છે.
🗣️સૂચનાઓનું પાલન:
આ કામગીરી અંગે માહિતી આપતા ઇજારદાર નિખિલ ફરવાએ જણાવ્યું હતું કે, વડોદરા મહાનગરપાલિકા તરફથી મળેલી સૂચનાઓને પગલે સ્મશાન ગૃહને સુરક્ષિત અને સુવ્યવસ્થિત કરવાના તમામ પ્રયાસો હાથ ધરાયા છે. આવતીકાલે અંતિમવિધિમાં મોટી સંખ્યામાં લોકો અને રાજકીય હસ્તીઓ ઉમટી પડે તેવી શક્યતાને જોતા તમામ વ્યવસ્થાઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
લોકપ્રિય નેતાની અંતિમ વિદાય માટે વડોદરા શહેરના ખાસવાડી સ્મશાન ગૃહ ખાતે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણતાના આરે છે.