- સિકલીગર ગેંગ પકડાઈ: પાણીગેટ પોલીસે ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા રીઢા આરોપી રાહુલ બાવરીની ધરપકડ કરી.
- ચોરાયેલું સોનું જપ્ત: ચોરીના દાગીના ખરીદીને લગડી બનાવનાર સોની મિનકુમાર સોની પાસેથી સોના-ચાંદીની લગડીઓ કબ્જે કરાઈ.
- 6 ગુનાઓ ડીટેક્ટ: પાણીગેટ, મકરપુરા, સીટી, ફતેગંજ અને રાવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના ઘરફોડ ચોરીના વણઉકેલાયેલા કેસો ઉકેલાયા.
- મોટો મુદ્દામાલ જપ્ત: પોલીસે રોકડ, દાગીના, બાઇક અને મોબાઇલ સહિત કુલ રૂ. 2.74 લાખથી વધુની મત્તા રિકવર કરી.
વડોદરા: વડોદરા શહેરમાં મિલકત સંબંધી ગુનાઓ પર અંકુશ મેળવવા અને વણઉકેલાયેલા કેસો શોધી કાઢવા પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર તથા ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પાણીગેટ પોલીસ સ્ટેશનની ટીમે સફળતા મેળવી છે. પોલીસે ઘરફોડ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા સિકલીગર ગેંગના રીઢા આરોપીને ઝડપી પાડીને શહેરમાં આચરેલા કુલ 6 ગુનાઓનો પર્દાફાશ કર્યો છે.
❓શું હતી સમગ્ર ઘટના?
ગત 27 મે 2026 ના રોજ પાણીગેટ વિસ્તારમાં આવેલા એક મકાનના મુખ્ય દરવાજાની જાળી અને લાકડાનો દરવાજો તોડી તસ્કરો ઘરમાં પ્રવેસ્યા હતા. બેડરૂમમાં રાખેલી લોખંડની તિજોરી તોડીને અંદાજે રૂ. 1.92 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જે અંગે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.
👮ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસથી ઝડપાયો મુખ્ય આરોપી:
ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પાણીગેટ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એ.બી. પટેલની સૂચનાથી સર્વેલન્સ ટીમ દ્વારા સીસીટીવી ફૂટેજની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન રાત્રિના સમયે શંકાસ્પદ બાઈક લઈને જતો એક ઇસમ નજરે પડ્યો હતો. ટેક્નિકલ અને હ્યુમન સોર્સની મદદથી તેની ઓળખ દંતેશ્વર વિસ્તારમાં રહેતા રાહુલ ઉર્ફે મામા ઉર્ફે અમરસિંગ અજીતસિંગ બાવરી (સરદાર) તરીકે થઈ હતી.
પોલીસે આરોપી રાહુલને ઝડપી પાડી સઘન પૂછપરછ કરતા તેણે પાણીગેટ વિસ્તારમાં ચોરી કર્યાની કબૂલાત કરી હતી. સાથે જ ચોરી કરેલા દાગીના દંતેશ્વરમાં રહેતા સોની મિનકુમાર જયંતીલાલ સોનીને વેચાણ આપ્યા હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે સોનીની પૂછપરછ કરતા તેણે દાગીના ઓગાળીને સોના-ચાંદીની લગડીઓ બનાવી દીધી હોવાનું કબૂલ્યું હતું. પોલીસે સોની પાસેથી બે લગડીઓ સહિત કુલ મુદ્દામાલ કબ્જે કર્યો છે.
🧐અન્ય 5 ગુનાઓનો પણ થયો ઘટસ્ફોટ:
આરોપીની વધુ પૂછપરછ કરતા તેણે વાઘોડિયા રોડ પરિવાર ચાર રસ્તા પાસેની સોસાયટીમાંથી રોકડા રૂ. 37,000 ની ચોરી કર્યાની કબૂલાત કરી હતી. આ ઉપરાંત, અગાઉ દંતેશ્વર (મકરપુરા પોલીસ સ્ટેશન), મહેતાપોળ (સીટી પોલીસ સ્ટેશન), નિઝામપુરા (ફતેગંજ પોલીસ સ્ટેશન) અને દાંડિયાબજાર (રાવપુરા પોલીસ સ્ટેશન) વિસ્તારમાં આચરેલી ઘરફોડ ચોરીની કબૂલાત કરતા પોલીસે અલગ-અલગ 6 ગુનાઓ સફળતાપૂર્વક ડીટેક્ટ કર્યા છે.
🚨કબજે કરાયેલ મુદ્દામાલ:
- સોનાની લગડી (વજન 59.450 ગ્રામ): કિંમત રૂ. 1,88,500
- ચાંદીની લગડી (વજન 30.800 ગ્રામ): કિંમત રૂ. 4,000
- રોકડા રૂપિયા: રૂ. 37,000
- મોટરસાઇકલ અને મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 2,74,500 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
આરોપીઓ વિરુદ્ધ અગાઉ પણ વડોદરાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ગુનાઓ નોંધાયેલા છે, અને પોલીસે તમામ દિશામાં કાયદેસરની સઘન કાર્યવાહી હાથ ધરી છે.