શહેરમાં કાયદો અને વ્યવસ્થા હાથમાં લઇને કોઇ અનિચ્છનિય બનાવ ના બને તેવું ના કરો. લોકોને કાયદો અને વ્યવસ્થા પર વિશ્વાસ રાખવાની અપીલ
- વડોદરામાં નૂતન વર્ષની રાત્રીએ અકસ્માતની ઘટના સામે આવી.
- નશામાં કાર ચાલકે ચાર જેટલા નાના-મોટા વાહનોને અડફેટે લીધા.
- લોકોએ કાર ચાલકની અટકાયત કરીને તેની ધૂલાઇ કરી.
- ગોરવા પીઆઇએ કાયદો અને વ્યવસ્થા હાથમાં નહીં લેવા અપીલ કરી.
નૂતન વર્ષની રાત્રે વડોદરના નટુભાઇ સર્કલથી લઇને રેસકોર્ષ સર્કલ વચ્ચે એક યુવકે નશામાં ઇનોવા કારને હાંકીને અનેક ગાડી-ટુ વ્હીલરો જોડે અકસ્માત સર્જ્યો હતો. આ ઘટનામાં લોકોએ યુવકને પકડી પાડીને તેની ધૂલાઇ કરી હતી. આખરે સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવતા યુવકની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ગોરવા પોલીસ મથકના પીઆઇ કિરીટ લાઠિયાએ જણાવ્યું કે, આરોપી વિરૂદ્ધ અલગ અલગ બે ગુનાઓ નોંધવામાં આવ્યા છે.
ગોરવાના પીઆઇ કિરીટ લાઠીયાએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, ગતરાત્રે 11 – 11: 15 ની વચ્ચે પોલીસ કંટ્રોલ રૂમમાં એક વર્ધી મળી હતી. જેમાં એક વ્યક્તિએ અનેક ગાડીઓ જોડે અકસ્માત સર્જી અને નાસવા જઇ રહ્યો હતો. તેને સ્થળ પર હાજર લોકોએ પકડી લીધો હતો. પકડાયા બાદ તે દારૂ પીધેલી હાલતમાં હોવાનું જણાઇ આવ્યું હતું. તેવી જાણ થતા જ ગોરવા પોલીસ મથકની ટીમ ત્યાં પહોંચી હતી. અને પરિસ્થિતીને કાબુમાં લઇ લીધી હતી. ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ કરનાર હર્ષ કશ્યપ છે. જેના વિરૂદ્ધ ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ અને હિટ એન્ડ રન એમ બે ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ બનાવ દરમિયાન કેટલાક લોકોએ પોતાના હાથમાં કાયદો લીધો હોવાનું પણ અમારા ધ્યાને આવ્યું છે. જે અંગે હું મીડિયાના માધ્યથી કહેવા માંગીશ કે, વડોદરાને સંસ્કારી નગરીનું બિરૂદ જાળવવામાં પોલીસને સહયોગ આપો. પરંતુ કાયદો અને વ્યવસ્થા હાથમાં લઇને કોઇ અનિચ્છનિય બનાવ ના બને તેવું ના કરો. લોકોને કાયદો અને વ્યવસ્થા પર વિશ્વાસ રાખવાની અપીલ કરું છું. લોકોએ કાયદો પોતાના હાથમાં લેવું ના જોઇએ.
તેમણે જણાવ્યું કે, આરોપી હર્ષ રમેશભાઇ કશ્યપ સુભાનપુરા વિસ્તારમાં રહે છે. પોતે ડ્રાઇવીંગ કરે છે. અને પાર્ટ ટાઇમ મોબાઇલ રીપેરીંગનું કામ કરે છે. તેના પિતા કોમ્પલેક્ષમાં ગાર્ડ તરીકેનું કામ કરે છે. આ યુવક સામાન્ય પરિવારનો છે. તેના કૃત્યને પગલે તેના વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. અકસ્માત સર્જનાર કાર તેના માલિકની છે. કાર અને ટુ વ્હીલર મળીને ચાર વાહનોને નુકશાન થયું છે. તેણે ક્યાંક દેશી દારૂ પીધું હોય અને બાદમાં તે કાર ચલાવતો હોવાનું ધ્યાને આવ્યું છે. તેનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું છે. જેમાં આલ્કોહોલનું પ્રમાણ જણાઇ આવ્યું છે.