- ચૂંટણીના વચનો હવામાં: સત્તાના દરવાજે પહોંચ્યા બાદ નવા કોર્પોરેટરોની જનતાથી દૂરી; વોર્ડ કચેરીમાં પ્રતિનિધિઓ ગાયબ.
- લોકોના પ્રશ્નોનું શું?: રસ્તા, પાણી, ગટર અને સફાઈ જેવી પાયાની સમસ્યાઓ યથાવત; સમસ્યાઓ ઉકેલવાને બદલે નેતાઓ સોશિયલ મીડિયામાં મસ્ત.
- ખંડેરાવ માર્કેટમાં પણ સન્નાટો: ચૂંટાયાના શરૂઆતના દિવસોમાં જ પાલિકાની મુખ્ય કચેરીમાં નવા કોર્પોરેટરોની હાજરી નહિવત.
- જનતામાં ભારે રોષ: વચનો આપીને નીકળેલા પ્રતિનિધિઓ હવે શોધ્યા જડતા નથી; નાગરિકોની હાલાકી ચરમસીમા પર.
વડોદરા: વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં જનતાના આશીર્વાદ લઈને સત્તાના શિખરે પહોંચેલા નવા કોર્પોરેટરોની કામગીરી પર સવાલો ઉભા થવા લાગ્યા છે. ચૂંટણી દરમિયાન શહેરના સર્વાંગી વિકાસના મોટા-મોટા વચનો આપનાર પ્રતિનિધિઓ હવે જનતાની નજરેથી દૂર થઈ ગયા હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.
🔏વૉર્ડ કચેરીઓમાં તાળાં, 🤳સોશિયલ મીડિયામાં ઉજાલા:
વિવિધ વિસ્તારોમાંથી પ્રાપ્ત થતી માહિતી મુજબ, અનેક કોર્પોરેટરોએ હજુ સુધી પોતાના વોર્ડની ઓફિસની નિયમિત મુલાકાત પણ શરૂ કરી નથી. જે નેતાઓ વોટ માંગવા માટે ઘરે-ઘરે ફરતા હતા, તે આજે ફોન ઉપાડવા પણ તૈયાર નથી. જનતાનો આક્ષેપ છે કે, ચૂંટાયા બાદ આ પ્રતિનિધિઓ માત્ર સોશિયલ મીડિયા પર ફોટોગ્રાફ્સ શેર કરવા પૂરતા મર્યાદિત બની ગયા છે. વાસ્તવિક સમસ્યાઓ અને જમીની હકીકત સાથે તેમનો સંપર્ક તૂટી ગયો હોય તેવું જણાય છે.
સમસ્યાઓનું પહાડ, 🧐નેતાઓ ગાયબ:
આ તરફ શહેરના વિવિધ વિસ્તારોમાં પાણીની તંગી, ગટરના ઊભરાતા પ્રશ્નો, સફાઈનો અભાવ અને દબાણ જેવી સમસ્યાઓ દિવસે-દિવસે વકરી રહી છે. ખંડેરાવ માર્કેટ સ્થિત પાલિકાની મુખ્ય કચેરી ખાતે પણ નવા કોર્પોરેટરોની હાજરી નહિવત જોવા મળી રહી છે. લોકો પોતાની સમસ્યા લઈને જાય તો કોને ફરિયાદ કરવી? તે પ્રશ્ન નાગરિકો માટે માથાનો દુખાવો બની ગયો છે.
🫵ચૂંટણીના મેદાનમાં જે રીતે ઉત્સાહ જોવા મળ્યો હતો, તે હવે સત્તા મળ્યા બાદ ક્યાંક ખોવાઈ ગયો હોય તેવું લાગે છે. જનતાએ જે આશા સાથે આ કોર્પોરેટરોને ચૂંટીને મોકલ્યા છે, તેઓએ યાદ રાખવું જોઈએ કે સત્તા એ સેવાનું માધ્યમ છે, માત્ર ફોટા પાડવાનું નહીં. જો આ રીતે જ નેતાઓ ગાયબ રહેશે, તો આવનારા દિવસોમાં જનતાનો રોષ રસ્તા પર જોવા મળી શકે છે.