Vadodara

નકલી ફર્મ બનાવીને સાયબર ફ્રોડના રૂપિયા ટ્રાન્સફર કરતા ભેજાબાજને વડોદરા સાયબર ક્રાઈમની ટીમે દિલ્હીથી દબોચ્યો

Published

on

આરોપીએ અન્ય આરોપીઓ સાથે મળીને નકલી ફર્મ બનાવીને મર્ચન્ટ તરીકે રજીસ્ટર કરી, ફ્રોડ દ્વારા એકત્રિત કરવામાં આવેલા નાણાની હેરફેર કરી..

  • અલગ અલગ એકાઉન્ટમાં ટુકડે ટુકડે 23,35,133 રૂપિયા ઇલેક્ટ્રોનિક માધ્યમથી ટ્રાન્સફર કરાવી લીધા
  • સાયબર ક્રાઈમ દ્વારા ટેકનીકલ અને હ્યુમન સોર્સની મદદથી પેમેન્ટ ગેટવે શોધી કાઢવામાં આવ્યું.
  • દિલ્હી, ટાગોર ગાર્ડનમાં રહેતા 37 વર્ષીય શ્રવણ પ્રવીણકુમાર ખરબંદાની ધરપકડ કરી.

વડોદરા શહેર સાયબર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા નકલી ફર્મ બનાવીને પેમેન્ટ ગેટવે પર મર્ચન્ટ તરીકે રજીસ્ટર કરી નાણાંની હેરફેર કરતી ટોળકી પૈકી એક ઈસમની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે. ઠગ ભેજાબાજ દ્વારા ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવાના નામે વડોદરાના એક ફરિયાદી પાસેથી 23 લાખ ઉપરાંતની રકમ પડાવી લઈને નાણાકીય છેતરપિંડી કરવામાં આવી હતી. જેમાં મુખ્ય આરોપીઓની સાથે છેતરપિંડીની રકમ ટ્રાન્સફર કરવામાં પકડાયેલા આરોપીની ભૂમિકા હતી.

ઇન્સ્ટાગ્રામ,વોટ્સએપ, ટેલિગ્રામ અને યુટ્યુબ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી શેર માર્કેટ અને ક્રિપ્ટો કરન્સી અને ફોરેકસ ટ્રેડિંગમાં વધુ પ્રોફિટ ની લાલચ આપીને કેટલાક નાગરિકોને છેતરવાનું કૌભાંડ ચાલી રહ્યું છે. જેમાં વડોદરાના એક ફરિયાદીને ફોરેક્સ ટ્રેડિંગ કરવા માટેનો મેસેજ મોકલીને અલગ અલગ એકાઉન્ટમાં ટુકડે ટુકડે 23,35,133 રૂપિયા ઇલેક્ટ્રોનિક માધ્યમથી ટ્રાન્સફર કરાવી લીધા હતા.

જે બાદ બનાવટી વેબસાઈટમાં રોકાણકાર તરીકે જોડાયેલા ફરિયાદીને નાનો મોટો પ્રોફિટ પણ બતાવીને વિડ્રો કરવા દેવામાં આવ્યો હતો.ત્યારબાદ જ્યારે ફરિયાદી મૂળ રકમ ઉપાડવા ગયા ત્યારે નાણા વિડ્રો થઈ શક્યા ન હતા. વારંવાર ના પ્રયત્નો બાદ અસફળ થતાં પોતે છેતરાયા હોવાની જાણકારી વડોદરા સાયબર ક્રાઈમને આપવામાં આવી હતી. વડોદરા સાયબર ક્રાઈમ દ્વારા ટેકનીકલ અને હ્યુમન સોર્સની મદદથી પેમેન્ટ ગેટવે શોધી કાઢવામાં આવ્યું હતું. જેનું લોકેશન દિલ્હી ખાતે મળતા દિલ્હીમાં જઈને આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

પોલીસે સ્થળ પરથી 69 જેટલા મોબાઈલ ફોન, એક લેપટોપ, 35 ચેકબુક, 38 ડેબિટ અને ક્રેડિટ કાર્ડ, 37 પાનકાર્ડ અને 72 રબર સ્ટેમ્પ મળીને મોટા પ્રમાણમાં મુદ્દામાલ રિકવર કર્યો હતો. આરોપી પાસેથી 100 થી વધુ બેંક ખાતાઓની વિગતો પણ મળી આવી હતી જ્યારે 160 થી વધુ જીમેઇલ એકાઉન્ટની વિગતો પણ મળી છે. આ સાથે 100 થી વધુ સીમકાર્ડ પણ રિકવર કરવામાં આવ્યા છે.

જ્યાં વડોદરા સાઇબર ક્રાઈમ દ્વારા વેસ્ટ દિલ્હી, ટાગોર ગાર્ડનમાં રહેતા 37 વર્ષીય શ્રવણ પ્રવીણકુમાર ખરબંદાની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીએ અન્ય આરોપીઓ સાથે મળીને નકલી ફર્મ બનાવીને મર્ચન્ટ તરીકે રજીસ્ટર કરી, ફ્રોડ દ્વારા એકત્રિત કરવામાં આવેલા નાણાની હેરફેર કરી હતી.

Trending

Exit mobile version