વડોદરામાં રોકાણના નામે છેતરપિંડીનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બિટકોઈનમાં ઊંચા વળતરની લાલચ આપી બેંગ્લોરના એક ભેજાબાજ સહિત બે શખ્સોએ વડોદરાના એક બિલ્ડર પાસેથી કુલ 90 લાખ રૂપિયા પડાવી લીધા છે. આ મામલે પાદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
📌 ઘટનાની વિગત:
વડોદરાના કારેલીબાગ વિસ્તારની મંગલજ્યોત સોસાયટીમાં રહેતા નરેન્દ્ર અંબાલાલ પટેલ વ્યવસાયે બિલ્ડર છે. નવેમ્બર 2019માં જ્યારે તેઓ પાદરા રોડ પર તેમના મિત્ર પિયુષ પટેલને મળવા ગયા હતા, ત્યારે ત્યાં હાજર અન્ય એક મિત્ર સિરીશભાઈએ તેમની ઓળખાણ રોબર્ટ ઈશ્વર પટેલિયા સાથે કરાવી હતી.
🔻છેતરપિંડીની મોડસ ઓપરેન્ડી:
- રોબર્ટ પટેલિયાએ નરેન્દ્રભાઈને બિટકોઈનમાં રોકાણ કરવાથી મબલખ કમાણી થશે તેવી લાલચ આપી હતી.
- આ વ્યવહાર સંભાળતા બેંગ્લોરના જોસેફ બાબર સેમ્યુઅલ સાથે રોબર્ટે ફોન પર વાત કરાવી વિશ્વાસ જીત્યો હતો.
- શરૂઆતમાં અનિચ્છા હોવા છતાં, રોબર્ટના વારંવારના દબાણને વશ થઈને બિલ્ડરે રોકાણ કરવાનું નક્કી કર્યું.
🤝નાણાકીય વ્યવહાર:
ફરિયાદ મુજબ, બિલ્ડરે પહેલા રોબર્ટના ખાતામાં 62 લાખ રૂપિયા જમા કરાવ્યા હતા. ત્યારબાદ રોબર્ટે જણાવ્યું હતું કે આ બધું કામ જોસેફ સંભાળતો હોવાથી સીધા તેના ખાતામાં પૈસા મોકલો. આમ, બિલ્ડરે જોસેફના એકાઉન્ટમાં કુલ 90 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.
📝કરાર છતાં નાણાં ન મળ્યા:
પૈસા ટ્રાન્સફર કર્યા બાદ બંને શખ્સોએ રોકાણ અંગે કોઈ માહિતી આપી ન હતી. બિલ્ડરે પોતાની રકમ પરત માંગતા રોબર્ટે સ્ટેમ્પ પેપર પર કરાર પણ કરી આપ્યો હતો, તેમ છતાં આજદિન સુધી એક પણ રૂપિયો પરત મળ્યો નથી.
છેવટે છેતરાયા હોવાનો અહેસાસ થતા નરેન્દ્રભાઈએ પાદરા પોલીસ સ્ટેશનમાં રોબર્ટ પટેલિયા અને જોસેફ સેમ્યુઅલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આંતરરાજ્ય છેતરપિંડી આચરનાર આ બંને ભેજાબાજોની ધરપકડ કરવા માટે શોધખોળ હાથ ધરી છે.