રાજ્યમાં પ્રથમવાર:વડોદરા જિલ્લા શિક્ષણ સમિતિ અને DEO કચેરી દ્વારા 105 નિવૃત્ત શિક્ષકોનું પેન્શન એક જ દિવસમાં મંજૂર કરવાની ઐતિહાસિક સિદ્ધિ.
અનોખું સન્માન:30 થી 35 વર્ષની નિષ્ઠાવાન સેવા બાદ નિવૃત્ત થયેલા શિક્ષકોને વિદાયના દિવસે જ પેન્શનના તમામ કાગળો અર્પણ કરાયા.
ધક્કામાંથી મુક્તિ:આગામી 1 જુલાઈથી તમામ પેન્શનરોને ઘરે બેઠા નિયમિત પેન્શન મળવાનું શરૂ થશે; કચેરીના ધક્કા ખાવાની જરૂર નહીં રહે.
ભવ્ય આયોજન:અંબે વિદ્યાલય ખાતે યોજાયેલ કાર્યક્રમમાં પ્રાથમિક અને માધ્યમિક મળીને કુલ 105 શિક્ષકોનું સન્માન કરાયું.
વડોદરા: વડોદરા જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા નિવૃત્ત શિક્ષકો માટે એક નવી અને પ્રેરણાદાયી પરંપરા શરૂ કરવામાં આવી છે. શિક્ષણ ક્ષેત્રે 30 થી 35 વર્ષ સુધી અમૂલ્ય યોગદાન આપનાર 105 શિક્ષકો જ્યારે નિવૃત્ત થયા, ત્યારે તેમને પેન્શન માટે લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું ન પડે તે માટે શિક્ષણ વિભાગે અનોખી પહેલ કરી છે.
❓શું છે આ પહેલ?
શહેરની અંબે વિદ્યાલયના સભાખંડમાં આયોજિત સન્માન સમારોહમાં જિલ્લા શિક્ષણાધિકારી મહેશભાઈ પાંડેએ જાહેરાત કરી હતી કે, 31 મેના રોજ નિવૃત્ત થયેલા તમામ 105 શિક્ષકોને પેન્શન માટે કચેરીના ધક્કા નહીં ખાવા પડે. તેમને નિવૃત્તિના દિવસે જ પેન્શન સંબંધિત તમામ દસ્તાવેજો અર્પણ કરી દેવામાં આવ્યા છે. પરિણામે, 1 જુલાઈથી જ તેમને પગારની જેમ સમયસર પેન્શન મળવાનું શરૂ થઈ જશે.
🗣️શિક્ષકોમાં આનંદની લાગણી:
નિવૃત્ત થનારા શિક્ષકોમાં ૫૫ પ્રાથમિક અને 50 માધ્યમિક શાળાઓના શિક્ષકોનો સમાવેશ થાય છે. આ પ્રસંગે નિવૃત્ત શિક્ષકોને પુષ્પગુચ્છ, સન્માનપત્ર અને દિનચર્યા નોંધપોથી અર્પણ કરી તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું. સાથે જ, નિવૃત્તિ બાદ નાણાકીય આયોજન અને રોકાણ અંગેનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. આ તકે જિલ્લાની બે શ્રેષ્ઠ સરકારી શાળાઓના શિક્ષકોનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
🫵સરકારી કામગીરીમાં વિલંબને બદલે આ પ્રકારની સંવેદનશીલ અને સુવ્યવસ્થિત કામગીરી રાજ્યભર માટે એક દાખલો છે. વડોદરા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીનો આ નિર્ણય નિવૃત્ત શિક્ષકો માટે ખરા અર્થમાં ‘ગિફ્ટ’ સમાન સાબિત થયો છે.