વડોદરા નજીક આવેલ નંદેસરી જીઆઇડીસી માં કેટલાય વર્ષોથી બંધ ઉષ્મા કેમિકલમાં ચોરી કરવાના ઇરાદાથી પ્રવેશેલા બે ચોરો પૈકી એક ચોરનું બંધ કંપનીના ખાડકુવામાં પડવાથી મોત નીપજ્યું હતું.જ્યારે અન્ય એક ને રેસ્ક્યુ કરીને બચાવી લેવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા નજીક આવેલ નંદેશરી જીઆઇડીસીમાં છેલ્લા કેટલાય વર્ષોથી બંધ પડેલ 124 33a પ્લોટ નંબરમાં આવેલ ઉષ્મા કેમિકલ કંપનીમાં ચોરી કરવાના ઇરાદે બે ચોરો ઘુસ્યા હતા.જેમાંથી એક તસ્કર કંપનીમાં આવેલા ખાડકુંવામાં પટકાયો હતો.જેને બચાવવા જતા બીજો યુવક પણ ખાડકુંવામાં અધવચ્ચે ફસાઈ ગયો હતો.
બચાવો બચાવોની બુમો મારતા આસપાસના સિક્યુરિટી ગાર્ડ દોડી આવ્યા હતા.જ્યારે બંધ કંપનીમાં જઈને જોતા ખાડકુંવામાં એક વ્યક્તિ અધવચ્ચે લટકતો દેખાતા સ્થાનિક પોલીસ અને ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી.
ફાયરબ્રિગેડના લશ્કરોએ સ્થળ પર આવીને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યુ હતું.જેમાં અધવચ્ચે લટકતા તસ્કરને બચાવી લેવામાં આવ્યો હતો.તેની સાથે ચોરી કરવાના ઇરાદે આવેલો અન્ય એક યુવક ખાડકુંવામાં ડૂબી ગયો છે તેમ જણાવતા ફાયરબ્રિગેડ દ્વારા ભારે જહેમતે ડૂબી ગયેલા તસ્કરનો મૃતદેહ બહાર કાઢ્યો હતો.
જીવિત મળી આવેલા તસ્કરને પૂછતાં તેને પોતાનું નામ યોગેશ સામંતસિંહ ગોહિલ જણાવ્યું હતું.જ્યારે નંદેસરી ગામના ભીખા સોમાની ચાલમાં રહેતો હોવાનું જણાવ્યું હતું. ડૂબી જતા મોતને ભેટેલો તસ્કર નંદેસરી હાઉસિંગ બોર્ડમાં રહેતો પ્રકાશ જાડેજા હોવાનું તસ્કરે જણાવ્યું હતું.
નંદેસરીમાં રહેતા આ બંને ચોરો ઉષ્મા કેમિકલ નામની છેલ્લા કેટલાય વર્ષોથી બંધ કંપનીમાં ચોરી કરવાના ઇરાદે ઘૂસ્યા હતા. જેમાંથી પ્રકાશ જાડેજા નામનો યુવક કંપનીની અંદર ઘુસતા ખાળકુવામાં પટકાયો હતો. નંદેસરી પોલીસે મૃતકને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી દવાખાનામાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.