વડોદરા શહેરમાં અવાર નવાર શહેરમાં નશીલા પદાર્થના જથ્થાનું વેચાણ કરતા ઈસમોને શહેર પોલીસ દ્વારા રેડ કરી ઝડપી પાડવામાં આવતું હોય છે. ત્યારે વડોદરા ગ્રામ્ય એસ.પી અને ગ્રામ્ય એસ.ઓ.જીને બાતમીના આધારે શહેરના છેવાડે આવેલ સેવાસી તાલુકા પોલીસ મથક હદ વિસ્તારમાંથી 1.50 લાખથી બધુંના મુદ્દામાલ સાથે બે ઇસમોની ધરપકડ કરી હતી.
આ સુચનાને આધારે વડોદરા ગ્રામ્ય એસ.ઓ.જી દ્વારા જીલ્લામાં આ પ્રકારની ગેરકાયદેસર માદક દ્રવ્યોના ખરીદ વેચાણ તથા હેરા-ફેરીની પ્રવૃત્તી ન ચાલે તે માટે પોલીસ ઇન્સપેકટર, એસ.ઓ.જી.એ અલગ-અલગ ટીમો બનાવી વડોદરા ગ્રામ્ય જીલ્લામાં પેટ્રોલીંગની કામગીરી હાથ ધરી હતી. જે અંતર્ગત વડોદરા તાલુકા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એસ.ઓ.જી. ટીમને ખાનગી બાતમીદારથી ચોકકસ બાતમી મળેલ કે, સેવાસી બસસ્ટેન્ડ પાસે રહેણાંક વિસ્તારમાં નશાકારક માદક પદાર્થનું ખરીદ વેચાણ ચાલે છે.
આ બાતમીના આધારે વડોદરા ગ્રામ્ય એસ.ઓ.જી ની ટીમ ત્રાટકી હતી અને આ સ્થળ પરથી રાજેન્દ્રભાઇ ઉર્ફે રાજુભાઇ ભાઇલાલભાઇ પટેલ (રહે. સેવાસી બસ સ્ટેન્ડ પાસે, તા-જી.વડોદરા) અને શંકરભાઇ રામસીંગભાઇ રબારી (રહે. સેવાસી, તા-જી.વડોદરા) ના રહેણાંક મકાનમાં બન્ને ઇસમો નશાકારક માદક પદાર્થ અફીણના જથ્થાનુ ખરીદ-વેચાણ કરતા હતા. જે આધારે એસ.ઓ.જી. ટીમે રેઇડ કરી પકડી પાડી ઝડતી તપાસ કરતા તેની પાસેથી અફીણ તથા પોશડોડાનો જથ્થો મળી આવ્યો હતો. જે બન્ને આરોપીઓ વિરુધ્ધ વડોદરા તાલુકા પો.સ્ટે.માં NDPS Act હેઠળ ગુનો નોંધાવી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ગુન્હામાં માંગીલાલ (રહે. રાજસ્થાન રાજ્ય) ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
ગ્રામ્ય એસ.ઓ.જી દ્વારા કરવામાં આવેલ કાર્યવાહીમાં બે ઈસમો સાથે રૂપિયા 1,50,730 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં નશાકારક માદક પદાર્થ અફીણ જેનુ ચોખ્ખુ વજન 1.350 કિલોગ્રામ છે. સાથે નશાકારક માદક પદાર્થ પોશોડોડા જેનુ ચોખ્ખુ વજન 1.410 કિલોગ્રામ છે.સાથે મોબાઈલ, રોકડ અને વજન કાંટા મળી કુલ રૂપિયા 1.50 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગ્રામ્ય એસ.ઓ.જી. દ્વારા સામાન્ય જનતા નશાથી દૂર રહે તેમજ યુવાધન બરબાદ થતુ અટકે તે માટે અસરકારક પેટ્રોલીંગની કામગીરી કરી નશાકારક માદક પદાર્થ અફીણ તથા પોશડોડાનો જથ્થો ઝડપી પાડી બન્ને ઇસમો વિરૂધ્ધમાં વડોદરા તાલુકા પો.સ્ટે.માં એન.ડી.પી.એસ એકટ મુજબનો ગુનો નોંધાવી કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે. તેમજ આગળની વધુ તપાસ પો.સ.ઇ. વરણામાં પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવશે.