વડોદરા શહેરમાં ગતરોજ પડેલા કમોસમી વરસાદને કારણે ઠેર ઠેર હોર્ડિગ પડી જવા તેમજ ઝાડ તૂટી પડવા જેવા બનાવો બનવા પામ્યા છે. આવા સમયે ગત રાત્રીના સમયે નવાયાર્ડ વિસ્તારમાં રામવાડી નજીક એક જૂની દીવાલ ધસી પડતા દીવાલને અડીને પાર્ક કરાયેલી ત્રણ ગાડીઓ દબાઈ ગઈ હતી.સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી
પ્રાપ્ત માહિતી અનુસાર નવાયાર્ડ વિસ્તારમાં ફતેગંજ પોલીસ સ્ટેશનથી થોડે આગળ રોઝીઝ ગાર્ડન આવેલું છે તેની પાછળ રામવાડી વિસ્તાર છે. જ્યાં એક ખાનગી માલિકીની જમીન આવેલી છે. જમીનને ફરતે કમ્પાઉન્ડ વોલ ઉભી કરવામાં આવી છે. જે દીવાલ લાંબા સમયથી જર્જરિત થઈ ગઈ હતી. સ્થાનિકોએ પાલિકામાં આ દીવાલના સમારકામ માટે માલિકને તાકીદ કરવા રજૂઆત કરાઈ હતી. જયારે પાલિકા દ્વારા પણ જ જમીન માલિકને નોટીસ પાઠવવામાં આવી હતી. જે બાદ પણ જર્જરિત અને નમી પડેલી કમ્પાઉન્ડ વોલનું સમારકામ કરાવવામાં આવ્યું નહતું
ગત રાત્રિએ સમયે ગાજવીજ સાથે આવેલા વરસાદમાં રામવાડી તરફની કમ્પાઉન્ડવોલનો કેટલોક ભાગ ધસી પડ્યો હતો. જેના કારણે નજીકમાં પાર્ક કરેલી ત્રણ ગાડીઓ કાટમાળ નીચે દબાઈ ગઈ હતી. ઘટના બાદ સ્થાનિકોએ પાલિકા તંત્રની નિષ્કાળજી સામે રોષ વ્યક્ત કર્યો હતો.