વડોદરામાં સયાજીગંજ પોલીસે લારી ધારક સાથે અમાનુષી અત્યાચાર ગુજાર્યો. મોડી રાત્રે સયાજીગંજ વિસ્તારમાં લારી બંધ કરાવવા ગયેલી સયાજીગંજ પોલીસે લારીધારકને એટલો માર માર્યો કે લારી ધારકની હાલત અતિયંત ગંભીર બની છે. ઈજાગ્રસ્તને SSG હોસ્પિટલે લઇ જવાયો જ્યાંથી વધુ ગંભીર હાલત હોવાથી તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો. ઘટનાની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ તાત્કાલિક દવાખાને પહોંચી તપાસ નો ધમધમાટ શરૂ કર્યો.
પ્રાપ્ત પ્રાથમિક માહિતી અનુસાર, ગઈકાલે મોડી રાત્રે ત્રણ વાગ્યાની આસપાસ સયાજીગંજ વિસ્તારમાં નાઈટ કોમ્બિંગ હોવાથી પોલીસ પેટ્રોલિગ દરમિયાન મોડી રાત સુધી ચાલતી લારીઓ બંધ કરાવવા ગયેલી સયાજીગંજ પોલીસે એક આમલેટની લારીધારકને બેહરહેમી પૂર્વક માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. લારીધારકને પહેલા ડંડા વડે માર મારવામાં આવ્યો અને બાદમાં રોડ પર ઢસડીને પણ માર મારતા ગંભીર ઈજાગ્રસ્ત થયો હતો.
મોડી રાત સુધી લારી ચાલુ રાખતા સયાજીગંજ પોલીસ ની પીસીઆર વાન સ્થળ પર પહોંચી હતી. જ્યાં પોલીસને જોઈ લારીધારકોમાં ભાગદોડ મચી ગઈ હતી. ત્યાં એ-વન ફૈઝાન આમલેટની લારી ચલાવતા ફૈઝાન પોલીસ કર્મચારીઓના હાથે લાગ્યો. જેથી મોડી રાત સુધી લારી ખુલ્લી રાખતા પીસીઆર વાનમાં સવાર પોલીસ કર્મચારીઓએ ફૈઝાનને રોડ પર ઢસડી તેમજ ડંડા થી માર માર્યો હતો. પોલીસે ઢસેડીને માર મારતા ફૈઝાનને ગંભીર રીતે ઘાયલ થતા તેને તાત્કાલિક સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડાયો.
SSG હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ ફૈઝાનની હાલત વધુ ગંભીર બતાવતા તેને ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. ફૈઝાનને રોડ પર ઢસાડતા શરીર પર ઉજરડા સહિત માથાના ભાગે 15 ટાંકા આવ્યા છે. આ ઘટનાને લઇ ડીસીપી જુલી કોઠીયા, એસીપી અને પીઆઈ નો સ્ટાફ ખાનગી હોસ્પિટલએ દોડી આવ્યો હતો. તો બીજી તરફ પોલીસના આવા અમાનુષી વર્તનથી લારી ધારકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.