- આજે ગણતરીના કલાકોમાં જ વડોદરાની બે ખાનગી શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ચકચાર મચી જવા પામી છે
- ગણતરીના કલાલોમાં બે ખાનગી શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
- આ અગાઉ પણ શાળાને બોમ્બ થ્રેટ મળી ચૂક્યા છે
- સુરક્ષાના કારણોસર બંને શાળામાંથી બાળકોને સલામત રીતે ઘરે મોકલાયા
વડોદરા ના ગદાપુરા વિસ્તારમાં આવેલી જાણીતી ડી. આર. અમિન મેમોરિયલ સ્કૂલ ને બોમ્બથી ઉડાવી દેવાનો ઇમેલ મળ્યો છે. આ ઘટનાની જાણ થતા પોલીસ દોડી આવી છે. અને શાળા ખાલી કરાવવાની સાથે જ પરિસરમાં સઘન ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. શાળા સંચાલકો દ્વારા વાલીઓને મેસેજ કરીને તુરંત બાળકોને ઘરે પરત લઇ જવા માટે જણાવવામાં આવ્યું છે. અત્રે નોંધનીય છે કે, આજે સવારે હરણી સ્થિત સિગ્નસ વર્લ્ડ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઇમેલ મળ્યો હતો. જે બાદ ગણતરીના કલાકોમાં જ વધુ એક શાળાને બોમ્બ થ્રેટ મળતા ચકચાર મચી જવા પામી છે.
વડોદરાના હરણી વિસ્તારમાં આવેલા મોટનાથ મહાદેવ મંદિર પાસે સિગ્નસ વર્લ્ડ સ્કૂલ આવેલી છે. આજે સવારે રાબેતા મુજબ વાલીઓ પોતાના સંતાનને શાળાએ મુકવા અથવા મોકલ્યા હતા. તેવામાં 8 વાગ્યાના આરસામાં શાળા તરફથી વાલીઓને જાણ કરવામાં આવી કે, શાળાને બોમ્બ થ્રેટ મળ્યો છે. આ વાતની જાણ થતા વાલીઓ તુરંત પોતાના સંતાનને લેવા માટે શાળાએ દોડીને પહોંચ્યા હતા. આ ઘટનાની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સાથે જ પોલીસની વિવિધ શાખાના જવાનો પણ દોડી આવ્યા હતા.
સિગ્નસ સ્કૂલે પહોંચેલા ડીસીપી પન્ના મોમાયાએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, આજે વડોદરાની સિગ્નસ સ્કૂલને ઇમેલ મળ્યો છે. જેમાં બોમ્બ મૂક્યો હોવાની વાત કહેવામાં આવી છે. આ ઇમેલ અંગે શાળાના પ્રિન્સિપાલે તુરંત પોલીસ વિભાગનો સંપર્ક કર્યો હતો. અને પોલીસની ટીમો અહિંયા પહોંચી ગઇ છે. બાળકોને પરત મોકલી દેવામાં આવ્યા છે. હાલમાં શાળામાં ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જ્યાંથી ઇમેલ મોકલવામાં આવ્યો છે, તેના આઇપી એડ્રેસની પણ તપાસ કરવામાં આવનાર છે.