પગાર દોઢ મહિના બાદ આવે અમારે કેવી રીતે ચલાવવાનું, તેમને કંઇ કહીએ તો સીધુ જ કહે છે કે, ગાડીઓ મુકીને ઘરે જતા રહો
આજરોજ વડોદરાના ઇસ્ટ ઝોનમાં આવતા પાંચ વોર્ડમાં ડોર ટુ ડોરના કર્મચારીઓ દ્વારા હડતાલ પાડવામાં આવી છે. હડતાલ પરના કર્મીઓનું કહેવું છે કે, તેમના પગાર, પીએફ, ઇએસઆઇ તથા બોનસ અંગે કોઇ જવાબ આપવામાં આવતો નથી. તેઓ કોઇ રજુઆત લઇને જાય તો ત્યાર બાદ તેમની ભૂલો શોધવામાં આવે છે. અને ત્યાર બાદ તેમને કાઢી મુકવામાં આવે છે. આજરોજ વડોદરાના વહીવટી વોર્ડ નં 4, 5, 6, 14, અને 15 માં ડોર ટુ ડોર કચરો એકત્ર કરતી ગાડીઓ પહોંચી નથી. અંદાજીત 200 કર્મચારીઓ દ્વારા હડતાલ પાડવામાં આવી હોવાનો દાવા કરવામાં આવ્યો છે.
હડતાલ પર ઉતરેલા કર્મીએ મીડિયાને જણાવ્યું કે, અમને યોગ્ય વેતન મળતું નથી. અમને પગાર ઓછો મળી રહ્યો છે. અમને કયા બેઝ પર પગાર આપવામાં આવી રહ્યો છે, તેની કોઇ માહિતી પુછવા છતાં આપવામાં આવતી નથી. અમારો રોજ કેટલો છે, અમારૂ પીએફ, ઇએસઆઇ કેટલો કપાય છે, તેની કોઇ જાણકારી અમને નથી. સરકાર તરફથી શું સહાય મળે તેનું કોઇ જણાવતું નથી.
Advertisement
અન્ય મહિલાએ મીડિયા સમક્ષ પોતાની વેદના વ્યક્ત કરતા જણાવ્યું કે, અમને રૂ. 6,500 આપતા હતા. તેની કોઇ પાવતી ન્હતા આપતા. ક્યારેક તો પગાર પણ ન્હતા આપતા. તેવામાં અમારે ખાવાનું શું ! કેટલીક વખતતો 2 મહિના સુધી પગાર આપવામાં નથી આવતો. અમને એક જ જગ્યાએ કામ કર્યાને 10 વર્ષ થઇ ગયા છે, છતાંય અમારી આવી હાલત છે. અમારો પગાર દોઢ મહિના બાદ આવે અમારે કેવી રીતે ચલાવવાનું, તેમને કંઇ કહીએ તો સીધુ જ કહે છે કે, ગાડીઓ મુકીને ઘરે જતા રહો. તમારી જગ્યાએ બીજાને રાખી લઇશું. અમારો આગળથી વધારે પગાર આવે છે, પરંતુ અમને ઓછો આપવામાં આવી રહ્યો છે.
આગેવાને મીડિયાને જણાવ્યું કે, અમારે રૂ. 15000 નો પગાર આપવામાં આવે છે. અમે બધુ કામ કરીએ છીએ. બીજા વોર્ડમાં પણ કામ કરીએ છીએ. અમે પગારની વાત કરીએ તો તેઓ છોડી દેવાની ધમકી આપે છે. તેઓ અમને દબાવે છે. અમે 200 જેટલા કર્મચારીઓ છે. બે મહિને પગાર આપે છે, અમે તહેવારોમાં ઘરે શું આપીએ. જ્યાં સુધી અમારી સમસ્યાનો ફેંસલો નહીં આવે ત્યાં સુધી અમે આ ચાલુ રાખીશું.
Advertisement
બોનસ અંગે કર્મીએ મીડિયાને જણાવ્યું કે, વર્ષ 2019 થી અમને દિવાળી બોનસ મળતું નથી. આ પહેલા જે કોન્ટ્રાક્ટર હતા, તેઓ બોનસ આપતા હતા. આ કોન્ટ્રાક્ટર બોનસ તો ઠીક પગાર પણ સમયસર નથી આપતા. અમે પુછીએ તો વાત ટાળી દે છે. અમે રજુઆત કરવા જઇએ તો અમારો ફોલ્ટ શોધીને કાઢી મુકે છે. પહેલા બોનસ અંગે રજુઆત કરી તો તેમણે કહ્યું હતું કે, કોરોના કાળ ચાલે છે. તે સમયે તેમની વાત સાચી હતી. પરંતુ ત્યાર બાદથી આજદિન સુધી બોનસ મળ્યું નથી.