લીંબુ થયા લાલચોળ:ગરમી વધતા લીંબુના ભાવ આસમાને; ₹45 થી સીધા ₹300ને પાર પહોંચતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું.
રસોડામાં કેમિકલની એન્ટ્રી:મોંઘા લીંબુના વિકલ્પ તરીકે રસોડામાં ‘લીંબુના ફૂલ’ (સિટ્રિક એસિડ)નો વપરાશ વધ્યો; સ્વાસ્થ્ય સામે જોખમની ભીતિ.
હોટલ-રેસ્ટોરન્ટમાં પણ બદલાવ:થાળીમાંથી લીંબુ ગાયબ; ખટાશ લાવવા વિનેગર અને સિટ્રિક એસિડનો થઈ રહ્યો છે ભરપૂર ઉપયોગ.
15 દિવસમાં ચાર ગણો ભાવવધારો:પુરવઠામાં ઘટાડો અને માંગમાં ઉછાળો આવતા લીંબુ હવે સામાન્ય માણસની પહોંચ બહાર.
વડોદરા/ગુજરાત: ઉનાળાની શરૂઆત થતા જ જે વસ્તુની સૌથી વધુ જરૂર પડે છે, તે હવે મધ્યમ વર્ગ માટે લક્ઝરી બની ગઈ છે. અમે વાત કરી રહ્યા છીએ લીંબુની. રાજ્યભરમાં લીંબુના ભાવમાં આવેલો તોતિંગ ઉછાળો જનતાના પરસેવા છોડાવી રહ્યો છે. છેલ્લા ત્રણ મહિનામાં જે લીંબુ ₹45 પ્રતિ કિલો મળતા હતા, તેનો ભાવ હવે ₹300ને આંબી ગયો છે.
🍋લીંબુના ફૂલનો વધતો ક્રેઝ:
લીંબુના આકરા ભાવથી બચવા માટે હવે લોકોએ ‘શોર્ટકટ’ અપનાવ્યો છે. રસોડામાં દાળ-શાકમાં ખટાશ લાવવા માટે કુદરતી લીંબુના સ્થાને હવે ‘લીંબુના ફૂલ’ એટલે કે સિટ્રિક એસિડનો ઉપયોગ વધ્યો છે. માત્ર ઘરોમાં જ નહીં, પણ પાણીપુરીની લારીઓ અને રેસ્ટોરન્ટમાં પણ લીંબુના સ્થાને આ સફેદ પાસાદાર કેમિકલનો વપરાશ થઈ રહ્યો છે. જોકે, જાણકારોનું કહેવું છે કે લીંબુના ફૂલને કુદરતી લીંબુ સાથે કોઈ લેવાદેવા નથી, તે માત્ર એક કેમિકલ છે જે સ્વાદમાં ખટાશ આપે છે.
🧐માત્ર 15 દિવસમાં ભાવ ભડકે બળ્યા:
ઉનાળામાં ઠંડા પીણા અને શરબતની માંગ વધતા લીંબુની જરૂરિયાત વધી છે. પુરવઠો ઓછો હોવાના કારણે છેલ્લા 15 દિવસમાં જ ભાવમાં ચાર ગણો વધારો થયો છે. જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગની થાળીમાંથી લીંબુ તો ગાયબ થયું જ છે, પણ રસોડામાં હવે કુદરતી વિટામિન-C ના બદલે કેમિકલ ખટાશનો સહારો લેવાની નોબત આવી છે.
🥵એક તરફ આકરી ગરમી અને બીજી તરફ લીંબુની મોંઘી ‘ખટાશ’. સામાન્ય જનતા અત્યારે બેવડી મુસીબતમાં ફસાઈ છે. હવે જોવાનું એ રહેશે કે લીંબુના ભાવ ક્યારે નીચે આવે છે અને જનતાને રાહત મળે છે.