વડોદરા માં ચોર આવ્યાની અફવાહ હવે જીવલેણ સાબિત થઇ રહી છે. ગતરાત્રે વારસીયા વિસ્તારમાં ચા પીવા ગયેલા મિત્રોનું બાઇક બગડ્યું હતું. બાઇક રીપેર કરતી વેળાએ ટોળાએ ચોર સમજીને પાછળથી હુમલો કરી દીધો હતો. આ હુમલામાં કપડાં ફાડી નાંખીને નગ્ન કરીને માર મારવામાં આવ્યો હોવાનું પ્રાથમિક સુત્રો જણાવી રહ્યા છે. આ ઘટનામાં એક યુવકનું સારવાર મળે તે પહેલા જ મોત નિપજ્યું છે. જ્યારે અન્ય યુવક હાલ સયાજી હોસ્પિટલમાં ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. પરિવારે મીડિયાને જણાવ્યું કે, અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે મૃતદેહનો સ્વીકાર નહીં કરીએ.
વડોદરા શહેર જિલ્લામાં ચોર આવ્યા ચોર આવ્યાની અફવાહ લાંબા સમયથી ચાલી રહી છે. ત્યારે અફવાહ લોકોના મનમાં ઘર કરી જતા કેટલાક વિસ્તારોમાં લોકો રાતપાળી કરી રહ્યા છે. તો કેટલાક કિસ્સામાં નિર્દોષ લોકોને ટોળું માર મારી રહ્યું છે. આવી જ એક જીવલેણ ઘટના વડોદરામાં સામે આવી છે. સમગ્ર ઘટના અંગે પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, ઇક્રમ ઉર્ફે અલી (ઉં. 22) અને શેબાઝ પઠાણ (ઉં. 30) ભંગારની દુકાનમાં નોકરી કરતા હતા. તેઓ કામ પતાવાની રાત્રીના સમયે ચા પીવા માટે ગયા હતા. દરમિયાન જુના આરટીઓ પાસે, ઝુલેલાલ મંદિર નજીક રસ્તામાં બાઇક બગડતા તેને ઠીક કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. દરમિયાન ટોળાએ ચોર સમજીને હુમલો કરીને ઢોર માર માર્યો હતો. જેમાં કપડાં ફાટી જતા સુધી બેરહેમીપૂર્વક માર મારવામાં આવતા શેબાઝ પઠાણને સારવાર મળે તે પહેલા જ મોત નિપજ્યું હતું. અને ઇક્રમા ઉર્ફે અલીને ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે.
મૃતક પરિજને મીડિયાને જણાવ્યું કે, અમને એવું જાણવા મળ્યું છે કે, તે લોકો રાત્રે ચા-નાશ્તો કરવા માટે ગયો હતો. તેનું વાહન બગડી ગયું હતું. વાહન ચાલુ કરવા જતા લોકોએ ટોળે વળીને તેને માર માર્યો છે. તેમણે આરોપ મુકતા કહ્યું કે, આ ઘટના સમયે પોલીસ સ્થળ પર હાજર હતી. તેઓ ઇચ્છતા તો તેમને બચાવી શકાયા હોત. અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે મૃતદેહ નહીં સ્વિકારીએ. જે પણ થયું છે, તેને ખોટું થયું છે. નગ્ન કરીને માર મારવામાં આવવાની ઘટના ખુબ જ દુખદ છે. વાયરલ વીડિયોમાં અમે જોયું કે, પોલીસ તે સમયે સ્થળ પર હાજર હતી. પોલીસ અધિકારી બચાવવાનો પ્રયત્ન નથી કરતા. પાછલા મહિનાથી ચોર ચોરનું ચાલી રહ્યું છે. ટોળું નિર્દોષ વ્યક્તિને પકડે એટલે તે ગભરાઇ જ જાય. તેવામાં આવા હાલ તો થવાના જ છે. કંઇ કરવામાં નહીં આવ્યું તો નિર્દોષ લોકો મરતા જ રહેશે.
સ્વજન મહિલાએ જણાવ્યું કે, કારેલીબાગ પોલીસ મથકમાંથી જુબાની લેવામાં આવી છે. તેમાં અમે જાણ્યું કે શેબાઝ, ઇક્રમ અને સાહિલ ત્રણ ચા પીવા ગયા હતા. ત્રીજો છોકરો ક્યાં છે કોઇ જાણતું નથી. વાહન ચાલુ કરવાનો પ્રયાસ કરવા જતા લોકોએ માર મારવામાં આવ્યો હતો. શરીર પર અણિયારા ઘા કર્યા હતા. ડોક્ટરોએ સારવાર હેઠળ યુવક સિરીયસ હોવાનું જણાવી દીધું છે. અત્રે નોંધનીય છે કે, મામલાની ગંભીરતાને ધ્યાને રાખીને કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે એસએસજી હોસ્પિટલમાં પોલીસનો ખડકલો કરી દેવામાં આવ્યો છે. સાથે ઉચ્ચ અધિકારીઓ પણ ત્યાં પહોંચ્યા છે.