રાજ્યભરના મોટાભાગના મહાનગરોમાં છેલ્લા ઘણા સમયથી યુવાવસ્થામાં તેમજ બાળ અવસ્થામાં કેટલાક લોકોને હૃદય રોગના હુમલા આવવાના કારણે મોત નિપજ્યા છે. જે વિષય ઘણો ચિંતાજનક છે. ત્યારે ગતરોજ વડોદરા શહેરના કલાલી વિસ્તાર માં રહેતા અનાજના વેપારી ઘરે થી દવા લેવા નીકળ્યા અને રસ્તામાં હ્ર્દય રોગનો હુમલો આવતા તેમને સારવાર મળે તે પહેલા જ તેમનું મોત નીપજ્યું હતું. જોકે મોત નું ચોક્કસ કારણ જાણવા પીએમ કરાવવા માં આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરના કલાલી વિસ્તારમાં આવેલ વેદાંત લાઈફ સ્ટાઇલ માં પરિવાર સાથે રહેતા 56 વર્ષીય અનાજના વેપારી અનિલભાઈ ઠક્કર ગતરોજ દવા લેવા માટે મોટરસાયકલ લઇને ઘરે થી નીકળ્યા હતા. અનિલભાઈ હજુ તો સોસાયટીના દરવાજાની પાસે જ પહોંચ્યા હતા અને તેમને ચક્કર આવતા મોટરસાયકલ સાઈડ પર કરી પરિવારજનો ને ફોન કરીને બોલાવ્યા હતા.
અનિલભાઈ એ ફોન કરી તેમની તબિયત લથડી હોવાની જાણ કરતા પરિવારજનો તાત્કાલિક સોસાયટીના ગેટ પાસે પહોંચી અનિલભાઈને સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. પરંતુ અનિલ ભાઈ ને સારવાર મળે તે પહેલા જ તેઓનું મોત નીપજ્યું હોય તબીબોએ તેમને મૃત જાહેર કરતા ગણતરીની મિનિટોમાં જ પરિવારના મોભી ને ગુમાવી દેતા પરિવારજનોમાં માતમ છવાઈ ગયો હતો. પ્રાથમિક તારણ અનુસાર અનિલ ભાઈનું મોત હાર્ટ એટેકથી થયું હોવાની આશકા છે. જેથી તેમના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પી.એમ. કરાવવામાં આવ્યું છે.