ચોરી દરમિયાન કોઇ નાગરિક તેમની પાસે આવે, અથવા તો પકડાઇ જવાના ડરે તેઓ કપડાં શરીરે બાંધીને રાખતા, તેમાં પથ્થરો મુકતા
વડોદરા ક્રાઇમ બ્રાન્ચે વડવા ગેંગના ચાર સાગરિતોને દબોચ્યા
ઘરમાંથી મુદ્દામાલ સાથે ચડ્ડી-બંડી મળી આવ્યા હતા
વિતેલા કેટલાક દિવસોથી વડોદરા શહેરમાં ચડ્ડી બનિયાન ધારી ગેંગનો તરખાટ હોવાના સીસીટીવી સામે આવ્યા હતા. જે બાદ વડોદરા ક્રાઇમ બ્રાન્ચ એક્શનમાં આવી હતી. અને બનાવ સ્થળે મુલાકાત લઇને અભ્યાસ કરવામાં આવ્યો હતો. તે બાદ સીસીટીવી, ટેક્નિકલ અને હ્યુમન રિસોર્સથી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન તપાસ કરતી ટીમને બાતમી મળી કે, દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં આવેલા વડવા ગામે રહેતો અને અગાઉ ઘરફોડ ચોરીમાં ઝડપાયેલા આરોપી મુકેશ મથુરભાઇ માવીએ, તેના જ ગામમાં રહેતા કમલેશ માવી, સુખરામ માવી અને પંકેશ માવી સાથે વડવા ગેંગ બનાવી હતી. જે રાત્રીના સમયે કિશનવાડી, વુડાના મકાનમાં રોકાઇને ચોરી કરીને પરત ગામડે જતા રહેતા હતા., તેઓ હાલ કિશનવાડીમાં રોકાયેલા છે.
બાતમી મળતા જ ટીમે સ્થળ પર દરોડા પાડ્યા હતા. જેમાં ચાર ઇસમો મળી આવ્યા હતા. તેમના રૂમમાં પલંગ નીચે પ્લાસ્ટીકની થેલીમાં કડાની જોડ, લક્કી, સિક્કા, લગડી, પાયલ, વીંટી, ચેઇન અને પેન્ડન્ટ મળી આવ્યા હતા. જે અંગે પુછતા તેઓ કોઇ બીલ પુરાવા રજુ કરી શક્ચા ન્હતા. મુકેશ સહિતના પાસેથી મોબાઆઇલ મળી આવ્યો હતો. મુદ્દામાલ અને મોબાઇલ શંકાસ્પદ જણાતા તેને જપ્ત કરીને તમામની અટકાયત કરવામાં આવી હતી.
તપાસમાં સામે આવ્યું કે, મુકેશ માથુરભાઇ માવી રાજ્યના પાલનપુર, મહેસાણા સહિતના જિલ્લામાં જુદા જુદા 6 કેસોમાં સંડોવાયેલો હોવાનું અને હાલ નાસતો ફરતો હોવાનું ધ્યાને આવ્યું હતું. મુકેશ માવી તેના સાગરિતો જોડે મળીને વડવા ગેંગ બનાવીને હાથફેરાને અંજામ આપતો હતો. તેમના ઘરેથી ચડ્ડી-બંડી મળી આવ્યા હતા. આરોપીઓને દબોચીને વધુ કાર્યવાહી અર્થે જવાહરનગર પોલીસ મથકમાં સોંપવામાં આવનાર છે.
ઉપરોક્ત કાર્યવાહીમાં મુકેશભાઇ મથુરભાઇ માવી, કમલેશભાઇ મંગલસીંગભાઇ માવી, સુખરામ ગલાભાઇ માવી, પંકેશ મથુરભાઇ માવી (રહે. વડવા, બીલવાલ ફળીયું, ગરબાડા, દાહોદ) ની ધરપકડ કરવામાં આવી છે. કાર્યવાહીમાં કુલ મળીને રૂ. 8.64 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
મુકેશભાઇ મથુરભાઇ માવી વિરૂદ્ધ અડધો ડઝન કેસ નોંધાયેલા છે. આરોપી સુખરામ ગલાભાઇ માવી વિરૂદ્ધ 8 ગુના નોંધાયેલા છે. આરોપી પંકેશ વિરૂદ્ધ 2 કેસ નોંધાયેલા છે.
આરોપી મુકેશ માવી અને સુખરામ માવી અગાઉ ઘરફોડ ચોરીના ગુનામાં પકડાયેલા છે. વડવા ગેંગે વિતેલા ત્રણ માસમાં વડોદરામાં કિશનવાડી ખાતે રોકાઇને વિવિધ વિસ્તારોમાં ચડ્ડી-બંડી પહેરીને રેકી કરતા હતા. તેઓ બંધ મકાનની શોધમાં રહેતા હતા. ચોરી દરમિયાન કોઇ નાગરિક તેમની પાસે આવે, અથવા તો પકડાઇ જવાના ડરે તેઓ કપડાં શરીરે બાંધીને રાખતા હતા. અને તેમાં પથ્થરો મુકી રાખતા હતા.