નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતે થી દીપડાના હુમલાની ભયંકર ઘટના સામે આવી છે. જ્યાં વંઢ ગામના પાટિયા પાસે ગત રાત્રીના સમયે નીંદર માણી રહેલ યુવક પર દીપડાએ હુમલો કર્યો હતો. યુવકને શિકાર બનાવી દીપડાએ 50 મીટર સુધી ઢસડ્યો હતો. દીપડાના હુમલામાં 35 વર્ષીય યુવકનું મોત નીપજ્યું છે.
છેલ્લા ઘણાય સમય થી તિલકવાડા તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે. અત્યારસુધી દીપડાએ અનેક પશુઓનું મારણ કર્યું હતું પરંતુ હવે તો નરભક્ષી દીપડા દ્વારા માણસનો શિકાર કરતા ભયનો માહોલ સર્જાયો છે. દેવલ્યા ચોકડી પાસે આવેલ વંઢ ગામના પાટિયા પાસે રાત્રીના સમયે દીપડાના હુમલાની ઘટના બની છે. જેમાં રાજસ્થાનના જોધપુરના ખાતે આવેલ પીપરલી ગામના 35 વર્ષીય અપ્પુસિંગ સેન્સિંગ રાજપૂતનામનો યુવક ગતરોજ રાત્રીના સમયે તેમના મિત્રો સાથે ગામના પાટિયા પાસે સુઈ રહ્યો હતો. તે દરમિયાન અચાનક જ એક નરભક્ષી દીપડો ત્યાં આવી પહોંચ્યો હતો.
દીપડાએ રાત્રીના અંધારામાં યુવક પર એકાએક હુમલો કરી લગભગ 50 મીટર સુધી ખેંચી જઇ શિકાર કર્યો હતો. દીપડાના આ હુમલામાં અપ્પુસિંગનું મોત થયું છે. ઝિપડાના હુમલાની આ ભયાનક ઘટનાને પગલે ગ્રામજનોમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે. આ સાથે જ આ નરભક્ષી દીપડાને પકડવા માટે વહેલી તકે પાંજરૂ મૂકવા માંગ કરવામાં આવી છે.