વડોદરા શહેરના મકરપુરા પોલીસ મથક વિસ્તારમાં આવેલા ઘાઘરેટીયામાં મકાન ભાડે રાખીને વિદેશી શરાબનો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો હોવાની બાતમી શહેર પીસીબી શાખાની ટીમને મળતા પીસીબી શાખાએ દડો પાડ્યો હતો.
જેમાં મોટા પ્રમાણમાં વિદેશી શરાબનો જથ્થો મળી આવ્યો હતો. જ્યારે બે આરોપીઓની ધરપકડ કરીને શરાબનો જથ્થો મંગાવનાર મુખ્ય સૂત્રધારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેર પીસીબી શાખાની ટીમને બાતમી મળી હતી કે, મકરપુરા વિસ્તારમાં આવેલા ઘાઘરેટીયા નજીક કૃષ્ણનગર સરકારી સ્કૂલ પાસે બુટલેગર વિપુલ રમેશભાઈ પંચાલ દ્વારા પગારદાર માણસો રાખીને એક મકાનમાં વિદેશી શરાબનો જથ્થો ભેગો કરેલો છે. જે શરાબના જથ્થાની હોમ ડિલિવરી કરવા માટે ટુવિલર વાહન પર પગારદાર માણસો ધક્કા ખાય છે.
જે માહિતીના આધારે પોલીસે સ્થળ પર જઈને દરોડો પાડતા કૃષ્ણનગરમાં આવેલા એક મકાનમાં વિદેશી દારૂની વોડકા, બીયર સહિતની 3124 નંગ બોટલો મળી આવી હતી. પોલીસે સ્થળ પરથી બુટલેગર વિપુલ પંચાલ દ્વારા નોકરી પર રાખવામાં આવેલા નરેશ પરમાર તેમજ રાજુભાઈ બારીયાની ધરપકડ કરી હતી. જ્યારે મુખ્ય સૂત્રધાર વિપુલ રમેશભાઈ પંચાલ, રહે. કૃષ્ણનગર ઘાઘરેટિયા ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
પોલીસે સ્થળ પરથી એક જુપીટર મોપેડ, બે મોબાઈલ ફોન, રોકડ રકમ તેમજ શરાબનો જથ્થો મળીને 7,83,229 રૂપિયાનો મુદ્દામાલ કબજે લીધો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, બુટલેગર વિપુલ રમેશ પંચાલ વડોદરા શહેર-જિલ્લામાં લગભગ 40 જેટલા પ્રોહિબિશનના ગુનામાં અગાઉ ઝડપાયેલો છે. તેમ છતાં પોલીસથી છૂપી રીતે મોટા પ્રમાણમાં વિદેશી શરાબનું વેચાણ કરતો હોય છે. એક વર્ષ અગાઉ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પણ ઘાઘરેટીયા કૃષ્ણનગરમાં દરોડો પાડીને વિપુલ પંચાલનો મોટા પ્રમાણમાં વિદેશી શરાબનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ સાથે થોડા સમય પહેલા વરણામાં પોલીસે પણ બુટલેગર વિપુલ પંચાલને શરાબના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. તેમ છતાં પણ વિપુલ પંચાલ વિદેશી શરાબના વેપલામાં સતત કાર્યરત રહ્યો છે. હાલ શહેર પીસીબી શાખાએ આરોપી વિપુલ રમેશ પંચાલને વોન્ટેડ જાહેર કરીને તેની શોધખોળ શરૂ કરી છે.