વડોદરા માં ઐતિહાસીક પૂરની પરિસ્થિતી બાદ શહેરભરમાં ભૂવાઓ પડી રહ્યા છે. ક્યારેક નાનો તો ક્યારેક આડધું ડમ્પર સમાઇ જાય તેટલી મોટી સાઇઝનો ભૂવો પડ્યાનું વડોદરાવાસી જાણે છે. ત્યારે હવે ભૂવામાં કાર ખોટકાઇ હોવાનો કિસ્સો સપાટી પર આવવા પામ્યો છે. શહેરના ઉર્મિ ચાર રસ્તા પાસે આવેલા રોડ પર કારનું આગળનું વ્હીલ ખોટકાયું છે. જો કારને સમયસર બહાર કાઢવામાં નહી આવે તો વધુ ભાગ ગરકાવ થવાની દહેશત હાલ તબક્કે વર્તાઇ રહી છે.
વડોદરામાં દિવસેને દિવસે રોડ-રસ્તા પર ભૂવા પડવાની ઘટનામાં વધારો થઇ રહ્યો છે. ભૂવા ના પડે તેવા રસ્તા બનાવવામાં પાલિકા તંત્ર નિષ્ફળ રહ્યું છે. ત્યારે આજે ઉર્મિ ચાર રસ્તા પાસે પડેલા ભૂવામાં કારનો આગળનો ભાગ ખોટકાઇ જવાના કારણે ચાલક મુશ્કેલીમાં મુકાયો છે. આ જગ્યાથી થોડેક નજીક જૂનો ભૂવો પણ પડ્યો છે. તેનું કામકાજ પૂર્ણ થાય તે પહેલા જ નજીકમાં અન્ય ભૂવો પ્રગટ થયો છે. આ ઘટનાને લઇને લોકોમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
Advertisement
કાર માલિકે કહ્યું કે, આ ઉર્મિ ચાર રસ્તાનો હવેલી વાળો વિસ્તાર છે. હું કાર પાર્ક કરીને સામેની સાઇડ ગયો હતો. પાછળ ફરીને જોયું તો કાર એક તરફ નીચે બેસી ગઇ હતી. એટલે હું તરત દોડીને આવ્યો, અહિંયા આવીને જોયું કે કારનો આગળનો ભાગ ભૂવામાં પડ્યો હતો. કારને ત્યાં પાર્ક કર્યા બાદ અચાનક જ ભૂવો પડી ગયો હતો. વડોદરા ભૂવા નગરી નામથી ઓળખાઇ રહી છે. તે લોકો ભૂવામાં માટી નાંખીને જતા રહે છે, કોઇ પણ પ્રકારનું લેવલીંગ કરતા નથી.
સ્થાનિકે જણાવ્યું કે, કઇ જગ્યાએ ક્યારે ભૂવો પડશે તેની કંઇ ખબર પડતી નથી. આ રોડ પર ભૂવા પાસે પડેલો જુનો ખાડો પૂરવા માટે અમે રજુઆત કરી હતી. તેઓ આવ્યા હતા, પાણી કાઢીને ગયા હતા. ત્યાર બાદ કોઇ આવ્યું નથી. અહિંયા રહેવાનું બહુ મુશ્કેલ અને જોખની છે. ગમે ત્યારે ખાડા પડી જાય છે. તમે સુરક્ષિત કાર ન ચલાવી શકો. અમારો વોર્ડ નં – 6 નો વિસ્તાર છે.