વડોદરા અને છોટાઉદેપુર જીલ્લાની સૌથી મોટી સહકારી સંસ્થા બરોડા ડેરીની ચુંટણીને લઈને આજથી ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત થઇ છે. મહત્વનું છે કે, ભારતીય જનતા પાર્ટીની મેન્ડેટ પ્રથા વચ્ચે સહકારી અગ્રણીઓ દ્વારા ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત થઈ જતા હવે ડેરીની ચુંટણી વર્ચસ્વનો જંગ બની રહેશે.
છેલ્લા 5 વર્ષમાં બરોડા ડેરી અને જીલ્લાના ધારાસભ્યો વચ્ચે ચાલેલા રાજકીય ઘમાસાણ બાદ નામદાર હાઈકોર્ટના હુકમને આધારે ચુંટણી યોજાવા જઈ રહી છે. આગામી 18મી માર્ચે બરોડા ડેરીની ચુંટણી યોજાશે ત્યારે ડેરીના હાલના 13 ડિરેક્ટરોના એકહત્થા સાશનને પડકાર ફેંકવા ધારાસભ્યોનું જૂથ ભાજપના મેન્ડેટ સાથે તેઓના પ્રતિસ્પર્ધી ઉમેદવારોને મેદાનમાં ઉતારવા માટે યોજનાઓ ઘડી રહ્યા છે. ભાજપ પક્ષના આંતરિક નિયમો પ્રમાણે પક્ષના મેન્ડેટના આધારે જ ઉમેદવારોને ચુંટણી લડવાની હોય તેવો નિયમ હોવાથી પક્ષ સાથે વફાદારીથી વરેલા સહકારી અગ્રણીઓ હજી પક્ષના સૂચનની રાહ જોઈ રહ્યા છે. જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 26 ફેબ્રુઆરી છે ત્યારે આજથી સહકારી અગ્રણીઓએ ફોર્મ ભરવાનું શરુ કરી દીધું છે.
આજે સૌથી પહેલા વડોદરા તાલુકા માંથી ભાજપના પાયાના કાર્યકર હિતેષ પટેલે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. વડોદરા તાલુકાના ઝોન માંથી શૈલેષભાઈ પટેલ પોર ગત ટર્મમાં બિનહરીફ થયા હતા. જોકે આ વખતની ચુંટણીમાં ભાજપના અને RSSના પાયાના કાર્યકરે ઉમેદવારી નોંધાવતા ભાજપ વિરુદ્ધ ભાજપની સ્થિતિ ઉભી થઈ છે. બીજી તરફ છોટાઉદેપુર અને કવાંટ બેઠક પરથી અતુલ પટેલે ઉમેદવારી નોંધાવતા તર્ક વિતર્ક સર્જાયા હતા. ગત ડેરીની ચુંટણીમાં ભાજપના છોટાઉદેપુરના અગ્રણી મુકેશ પટેલ –ખોસ દ્વારા સંગ્રામસિંહ રાઠવા સામે ઉમેદવારી નોંધાવામાં આવી હતી. સંગ્રામસિંહ રાઠવા તે સમયે કોંગ્રેસમાં હતા. તેમ છતાંય મુકેશ પટેલે અંતિમ દિવસે ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લેતા સંગ્રામસિંહ રાઠવા બિનહરીફ થયા હતા. જોકે ત્યાર બાદ પૂર્વ મંત્રી નારણ રાઠવા અને પુત્ર સંગ્રામસિંહ રાઠવા ભાજપમાં શામેલ થઈ જતા હાલના ચાલુ ડિરેક્ટર ભાજપના જ કહેવાય તેમ માનવામાં આવે છે. જોકે અતુલ પટેલે પોતાનું મેન્ડેટ આવશે તે અપેક્ષાએ છોટાઉદેપુર બેઠક માંથી ઉમેદવારી નોંધવાતા અહિયાં પણ ભાજપ વિરુદ્ધ ભાજપની સ્થિતિ સર્જાય તેમ લાગી રહ્યું છે.
બીજી તરફ ઝોન 4 શિનોર માંથી રીતેશ પટેલ બીથલીએ પોતાના ટેકેદાર સાથે ઉમેદવારી ફોર્મ ભર્યું છે.મૂળ કોંગ્રેસના સહકારી અગ્રણીએ ઉમેદવારી ફોર્મ ભરી દેતા ત્યાં પણ ભાજપ સામે કોંગ્રેસના ઉમેદવાર ચુંટણી લડે તેવી સ્થિતિ ઉભી થઇ છે. જયારે ડભોઇ ઝોન માંથી ડભોઇ તાલુકા કોંગ્રેસ પ્રમુખ સુધીર બારોટ અને સહકારી અગ્રણી પ્રહલાદ મંગળ પટેલ દ્વારા આજે ફોર્મ લઇ જઈને ઉમેદવારી નોંધાવાની જાહેરાત કરતા ડભોઇમાં પણ બરોડા ડેરીના બે ઉમેદવારો આમને સામને આવે તેવી શક્યતાઓ છે.
આ સાથે ઝોન 10 માંથી યશપાલસિંહ ગોવિંદસિંહ ઠાકોર, ચિરાગ મુકેશભાઈ ભગત અને રવિરાજસિંહ મહેન્દ્રસિંહ ઠાકોરે પોતાની ઉમેદવારી નોંધાવી છે. મહત્વનું છે કે બરોડા ડેરીના હાલના ડીરેક્ટરો માંથી અત્યાર સુધી કોઈએ પણ ઉમેદવારી ફોર્મ ભર્યું નથી. આવતીકાલે ડેરીના હાલના તમામ ડીરેક્ટર એક સાથે મેન્ડેટની પરવાહ કર્યા વિના પોતાના ઝોન માંથી ઉમેદવારી ફોર્મ ભરનાર છે.