Vadodara

અગાઉ જીવ ગુમાવ્યા છતાં તંત્રની આંખ ઉઘડતી નથી, બાવામાનપુરામાં રિક્ષા ગટરમાં ગરકાવ થતા માંડ બચ્યો ચાલક

Published

on

  • પાણીગેટમાં અકસ્માત: બાવામાનપુરા વિસ્તારમાં તૂટેલી ગટરમાં રિક્ષાનું વ્હીલ ફસાઈ ગયું, સદનસીબે મોટી દુર્ઘટના ટળી.
  • સયાજીગંજ બાદ પુનરાવર્તન: થોડા દિવસો પહેલા જ ડેરી ડેન સર્કલ પાસે પણ થ્રી-વ્હીલર ટેમ્પો ફસાઈ જવાની ઘટના બની હતી.
  • તંત્ર સામે ગંભીર આક્ષેપો: અગાઉ જીવલેણ અકસ્માતો થયા હોવા છતાં VMC દ્વારા પ્રી-મોન્સૂન કામગીરીમાં ગંભીર બેદરકારી દાખવાઈ રહી છે.
  • લોકોની માંગ: શહેરમાં તમામ જર્જરિત અને ખુલ્લા ગટરના ઢાંકણાં તાત્કાલિક બદલવામાં આવે તેવી લોકમાગ ઉઠી છે.

વડોદરા: વડોદરા શહેરમાં વહીવટી તંત્ર અને પાલિકાની બેદરકારીના કારણે નાગરિકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. શહેરમાં તૂટેલા અને જર્જરિત ગટરના ઢાંકણાં વાહનચાલકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યા છે. થોડા દિવસો અગાઉ સયાજીગંજના ડેરી ડેન સર્કલ પાસે ટેમ્પો ફસાઈ જવાની ઘટના હજુ તાજી છે, ત્યાં આજે પાણીગેટ વિસ્તારમાં વધુ એક સમાન ઘટના સામે આવી છે.

શું બની ઘટના?

પાણીગેટના બાવામાનપુરા વિસ્તારમાં ગટરનું ઢાંકણું તૂટેલું હોવાથી અચાનક એક રિક્ષાનું આગળનું વ્હીલ તેમાં ફસાઈ ગયું હતું. સદનસીબે આ ગંભીર ઘટનામાં રિક્ષાચાલકનો આબાદ બચાવ થયો હતો અને મોટી જાનહાનિ ટળી હતી. પરંતુ આ ઘટનાએ સ્થાનિકોમાં ભારે રોષ ફેલાવ્યો છે.

🧐જનતામાં રોષ અને તંત્રની નિષ્ક્રિયતા:

સ્થાનિક રહેવાસીઓ અને જાગૃત નાગરિકોના આક્ષેપ મુજબ, અગાઉ પણ આવા જોખમી ખુલ્લા મેનહોલના કારણે ગંભીર અકસ્માતો સર્જાયા છે અને જીવ પણ ગયા છે, છતાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) ની આંખ ઉઘડતી નથી. પ્રી-મોન્સૂન કામગીરીના દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે અને ઠેર-ઠેર ગટરના ખુલ્લા ઢાંકણાં સમસ્યા બની રહ્યા છે. નાગરિકોએ વહેલી તકે સમગ્ર શહેરમાં સર્વેક્ષણ કરી આવા જોખમી ઢાંકણાં બદલવાની ઉગ્ર માંગ કરી છે

Trending

Exit mobile version