તીર્થરાજ પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભની વિવિધ ઝાંખીઓ બની આકર્ષણનું કેન્દ્ર
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતા એક પટેલ પરિવારને ત્યાં પધારેલા ગણપતિ બાપ્પાનું સ્વાગત મહાકુંભની ઝાંખી સાથે કરવામાં આવ્યું છે. પ્રયાગરાજમાં યોજાયેલા સર્વ સિદ્ધિપ્રદ મહાકુંભની ઝાંખી આબેહૂબ અહીં બનાવવામાં આવી છે. આ પંડાલ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
અહીંના માંજલપુર વિસ્તારના હેમાંશુ પટેલ એ આ વર્ષે ગણેશ મહોત્સવ નિમિત્તે એમના ઘરે મહાકુંભની એક ભવ્ય થીમ બનાવી છે અને ગણેશજી બિરાજમાન કર્યા છે. સંપૂર્ણ સજાવટ ઇકોફ્રેન્ડલી રીતે કરવામાં આવી છે. આ ઝાંખી ચોક, કાર્ડબોર્ડ, રંગો અને કાગળનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે.
પંડાલમાં મહાકુંભના વિવિધ દ્વારો, ઘાટ, સંગમ, ભાવિકો, પીપાપૂલ, હોડીઓ, સંતો, સુવિધાઓ સહિતના આકર્ષણો દર્શાવવામાં આવ્યા છે.
પટેલ પરિવાર છેલ્લા 42 વર્ષથી ગણેશ મહોત્સવને સજાવટ સાથે ઉજવી રહ્યો છે, અને આ પરંપરાને ચાલુ રાખીને આ વખતે મહાકુંભની થીમ રજૂ કરી છે. આ સજાવટ તૈયાર કરવામાં લગભગ ચાર મહિનાનો સમય લાગ્યો. આ ફક્ત સજાવટ નથી, પરંતુ આપણી શ્રદ્ધા, સંસ્કૃતિ અને ભક્તિને જીવંત કરવાનો એક માર્ગ છે.
એમની આ મહેનતને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ દ્વારા માન્યતા આપવામાં આવી છે. આ પ્રયાસ દ્વારા, અમારો ઉદ્દેશ્ય પર્યાવરણના રક્ષણ વિશે જાગૃતિ ફેલાવવાનો અને લોકોને આપણી ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓની સમૃદ્ધિ સાથે જોડવાનો છે, એવું ગણેશભક્ત હેમાંશુ પટેલે જણાવ્યું હતું.