Vadodara

દરજીપૂરાના ચકચારી દિપેન હત્યા કેસનો આરોપી કોર્ટ સંકુલમાંથી ફરાર, પોલીસ દોડતી થઇ

Published

on

કેસની શરૂઆતથી પોલીસને દીપેનના મિત્ર હાર્દિક પર શંકા હતી. જેથી, શંકાના આધારે તેની કડકાઈથી પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો

  • પોલીસ જાપ્તા વચ્ચે લવાયેલો આરોપી કોર્ટમાંથી ફરાર
  • કેન્ટીનમાં જમવા બેઠેલા આરોપીએ પોલીસને ચકમો આપ્યો
  • ઘટનાને પગલે સ્થળ પરના સીસીટીવીના આધારે વધુ તપાસ શરૂ કરાઇ

વડોદરામાં થોડાક સમય પહેલા મિત્રએ જ મિત્રની હત્યા કરી હોવાની ઘટના સામે આવી હતી. આ કેસમાં મિત્ર હાર્દિક પ્રજાપતિએ મિત્ર દિપેનનું ઢીમ ઢાળી દીધું હતું. આ મામલે પોલીસને ગોળ ગોળ ફેરવ્યા બાદ આરોપી મિત્ર હાર્દિક પ્રજાપતિની ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં જેલમાં બંધ હાર્દિક પ્રજાપતિની કોર્ટમાં મુદત હોવાથી તેને કોર્ટ સંકુલમાં લાવવામાં આવ્યો હતો. દરમિયાન કેન્ટીનમાંથી તે ભાગી નીકળ્યો હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે પોલીસનું નાક કપાયું છે, ઘટના બાદ પોલીસે સીસીટીવીની મદદથી ભાગી છુટેલા આરોપીને દબોચવા માટે દોડધામ કરી મુકી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

મે – 2025 માં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. જેમાં દરજીપુરામાં રહેતા દિપેન પટેલ નામનો યુવક હરણી વિસ્તારમાં પિયરે ગયેલી પત્નીને મળવા ગયો હતો. દરજીપુરાથી કાર લઈને નીકળેલો મોડી રાત થઈ ત્યાં સુધી સાસરીએ પહોંચ્યો નહીં..કે ના તો તે પરત ઘરે આવ્યો.. જેથી, પરિવારજનોને ચિંતા થતાં તેના ગુમ થયાની ફરિયાદ હરણી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. પોલીસ તેની શોધખોળ કરી રહી હતી..તેના ત્રીજા દિવસે દિપેનની કાર અનગઢ ગામ પાસે મહીસાગર નદીમાંથી મળી આવી હતી. કારમાં લોહીના નિશાન હતા અને કારના એક્સિલેટર પર પથ્થર મૂકેલો હતો. એ જોઈને પોલીસને દીપેનની હત્યા થયાની શંકા લાગી. તેના બે દિવસ બાદ કાલોલ કનેટિયાની નર્મદા કેનાલમાંથી દિપનેની લાશ મળી આવી હતી. પોલીસે પીએમ કરાવતા દીપેનની હત્યા તીક્ષ્ણ હથિયારથી કર્યા બાદ કેનાલમાં લાશ નાંખી હોવાનું બહાર આવ્યું હતું. કેસની શરૂઆતથી પોલીસને દીપેનના મિત્ર હાર્દિક પ્રજાપતિ પર શંકા હતી. જેથી, શંકાના આધારે તેની કડકાઈથી પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો અને દીપેનની હત્યા કર્યાની કબૂલાત કરી હતી.

આ મામલે આરોપી હાર્દિક પ્રજાપતિ હાલ જેલવાસ ભોગની રહ્યો છે. આજે તેની કોર્ટમાં મુદત હોવાથી તેને જાપ્તા સાથે કોર્ટ સંકુલમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં કેન્ટીનમાંથી તે ભાગી છુટ્યો હોવાનું સામે આવી રહ્યું છે. ઘટનાને પગલે પોલીસ જવાનોમાં ભારે દોડધામ મચી જવા પામી છે. આરોપી કેન્ટીનમાં જમવા બેઠો હતો, ત્યાંથી તે પોલીસને ચકમો આપીને ફરાર થઇ ગયો હતો. સુત્રોના જણાવ્યા અનુસાર, પોલીસ દ્વારા આજે અડધો ડઝન જેટલા આરોપીઓને કોર્ટમાં લાવવામાં આવ્યા હતા. ત્યાંથી હાર્દિક પ્રજાપતિ નાસી છુટ્યો છે.

Advertisement

Trending

Exit mobile version