વડોદરા શહેરમાં માથાભારે તત્વોનો ત્રાસ વધી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. શહેરના અમિત નગર વિસ્તારમાં એક ટ્રાન્સપોર્ટરની ઓફિસમાં ઘૂસી બે શખ્સોએ તોડફોડ મચાવી હતી અને ‘અહીં ધંધો કરવો હોય તો દર મહિને 50 હજાર આપવા પડશે’ તેવી ધમકી આપી જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો છે. આ મામલે હરણી પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરાના ખોડિયાર નગર વિસ્તારમાં રહેતા અને ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા ચેતનભાઈ પ્રજાપતિની ઓફિસમાં ગુંડાગીરીનો કિસ્સો સામે આવ્યો છે. અમિત નગર પાસે આવેલા ક્રિષ્ણાવેલી કોમ્પલેક્સમાં ટ્રાન્સપોર્ટરની ઓફિસ આવેલી છે, જ્યાં મોડી રાત્રે બે શખ્સોએ આતંક મચાવ્યો હતો.
- આરોપી ૧: અશ્વિન નટવરલાલ ઠક્કર
- આરોપી ૨: મહેન્દ્રસિંગ પ્રહલ્લાદસિંગ રાઠોડ
- માંગણી: રૂા. 50,000 પ્રતિ માસ (હપ્તો)
ઘટનાની વિગત મુજબ, ગત 15મી ડિસેમ્બરની રાત્રે જ્યારે ચેતનભાઈ ઘરે હતા, ત્યારે તેમની ઓફિસ પર કામ કરતા કર્મચારીનો ફોન આવ્યો હતો કે અશ્વિન ઠક્કર અને મહેન્દ્રસિંગ રાઠોડે ઓફિસમાં આવી તોડફોડ કરી છે. ટ્રાન્સપોર્ટર ઓફિસે પહોંચ્યા ત્યારે રાત્રે એક વાગ્યે આ બંને શખ્સો ફરી ત્રાટક્યા હતા.
આરોપીઓએ ચેતનભાઈ સાથે ઝપાઝપી કરી માર માર્યો હતો અને ખુલ્લી ધમકી આપતા કહ્યું હતું કે, “જો અહીં ધંધો કરવો હોય તો દર મહિને 50 હજારનો હપ્તો આપવો પડશે, નહીંતર કાલે દુકાન ખોલવા દઈશું નહીં અને જાનથી મારી નાખીશું.”
ભયના ઓથાર હેઠળ જીવતા ટ્રાન્સપોર્ટરે અંતે હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે બંને આરોપીઓ સામે ગુનો દાખલ કરી તેમની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે. જાહેરમાં હપ્તાની માંગણી કરતી આ ટોળકી સામે પોલીસ કેવા કડક પગલાં ભરે છે તે જોવું રહ્યું.