Vadodara

શેઠે ફોન પર સમજાવ્યા અનુસાર દારૂ ભરેલો ટેમ્પો લઇને જતા ટેમ્પો ચાલકને LCBએ ઝડપી પાડ્યો

Published

on

વડોદરા સહિત રાજ્યભરમાં તહેવારોની મોસમ ખીલી રહી છે. તેવામાં દારૂ રેલાવવાના બુટલેગરોનો સ્વપ્ન પર વડોદરા ગ્રામ્ય પોલીસ પાણી ફેરવી રહી છે. વડોદરા ગ્રામ્ય એલસીબી દ્વારા પેટ્રોલીંગ દરમિયાન શંકાના આધારે આઇશર ટેમ્પો રોકવામાં આવ્યો હતો. બાદમાં તેની ઝીણવટભરી તપાસ કરતા ચોરખાનામાં છલોછલ ભરેલો વિદેશી દારૂ મળી આવ્યો હતો. આ મામલે વરણામાં પોલીસ મથકમાં બે સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

વરણામાં પોલીસ મથકમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના હેડ કોન્સ્ટેબલે નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ ટીમ સાથે વરણામાં પોલીસ મથકની હદમાં ખાનગી વાહનોમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા. દરમિયાન નેશનલ હાઇવે પર કરજણથી વડોદરા તરફના ટ્રેક પર પેટ્રોલ પંપ પાસે પસાર થતા આઇશર ટેમ્પા પર શંકા જતા તેને ઇશારો કરીને રોડ સાઇડમાં લેવડાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ આઇશરનું શું છે તેમ પુછતા તેણે કહ્યું કે, ખાલી છે. છતાં પોલીસની ટીમને કંઇક ભરેલું હોવાની આશંકા જતા ચાલકને નીચે ઉતારીને તેની પુછપરછ કરવામાં આવી હતી.

Advertisement

ચાલકે પોતાનું નામ જાવેદ હમીદ અબ્દુલ (શેખ) (રહે. મોતીબાગ મહોલ્લા, સેન્ધવા, બડવાની – મધ્યપ્રદેશ) હોવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ તેણે આઇશર ટેમ્પામાં કંઇ ન હોવાનું રટણ ચાલુ રાખ્યું હતું. બાદમાં ટેમ્પાની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન પાટીયા ગોઠવીને બનાવેલું ચોરખાનું મળી આવ્યું હતું. જેમાં અંદર જોતા વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. જેની ગણતરી કરતા 108 પેટી વિદેશી દારૂ મળી આવ્યો હતો. તેમાંથી 5 હજારથી વધુ વિદેશી દારૂની બોટલો જણાઇ આવી હતી. જેની અંદાજીત કિંમત રૂ. 5.18 લાખ આંકવામાં આવી રહી છે. ઉપરોક્ત કાર્યવાહીમાં કુલ મળીને રૂ. 15.18 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

ચાલકની કડકાઇ પૂર્વક પુછપરછ કરતા દારૂનો જથ્થો કોની પાસેથી, ક્યાંથી, ભરી લાવ્યા, કોને આપવાનો હતો, તેવા સવાલોનો મારો ચલાવવામાં આવ્યો હતો. જેનો જવાબ આપતા ચાલકે જણાવ્યું કે, વિદેશી દારૂનો જથ્થો મારા શેઠ, જેમને તે અંકલ તરીકે ઓળખે છે, તેણે ફોન કરીને મુંબઇના તલોજા વિસ્તારમાં આવેલી હોટલના પાર્કિંગમાં મુક્યો હોવાનું જણાવ્યું હતું. આ ટેમ્પો વડોદરા લઇ જવાનું પણ જણાવ્યું હતું. આ જથ્થો કોને આપવાનો હતો તે અંગે તે અજાણ હતો.

આખરે આ મામલે વરણામાં પોલીસ મથકમાં જાવેદ હમીદ અબ્દુલ (શેખ) (રહે. મોતીબાગ મહોલ્લા, સેન્ધવા, બડવાની – મધ્યપ્રદેશ) તથા શેઠ સામે પ્રોહીબીશનનો ગુનો નોંધાયો છે. આ મામલે શેઠને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

Advertisement

Trending

Exit mobile version