- તપાસ અધિકારીએ મીડિયાને જણાવ્યું કે, સીરપ બાબતે એક કેસ દાખલ કરવામાં આવી રહ્યો છે. કેસની પંચનામાની કાર્યવાહી પૂર્ણ થઇ છે
વડોદરાના યાકુતપુરા વિસ્તારમાં આવેલી મીનાર મસ્જીદ પાસે મોડી રાત્રે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડામાં શંકાસ્પદ સીરપ નો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ કાર્યવાહીમાં એક શખ્સની અટકાયત કરવામાં આવી છે. મામલાની તલસ્પર્શી તપાસ માટે FSL ની ટીમો પણ દરોડામાં જોડાઇ હતી. આ કાર્યવાહીમાં જપ્ત કરવામાં આવેલા શંકાસ્પદ સીરપના જથ્થાની અંદાજીત કિંમત રૂ. 65 હજાર જેટલી આંકવામાં આવી રહી છે.
વડોદરામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા નશાખોરી ડામવા માટે પોલીસ વિભાગના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા વિશેષ પ્રયાસો કરવામાં આવતા હોય છે. તાજેતરમાં વડોદરાની એસઓજીની ટીમ દ્વારા ચોક્કસ બાતમીના આધારે યાકુતપુરા વિસ્તારમાં આવેલી મીનાર મસ્જીદ પાસેના ઘરમાં દરોડા પાડ્યા હતા. આ દરોડામાં શંકાસ્પદ સીરપનો મોટો જથ્થો પકડી પાડવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ મામલે વૈજ્ઞાનિક ઢબે તપાસ કરવા માટે સાથે એફએસએલ પણ જોડાઇ હતી.
ઘરમાંથી શંકાસ્પદ સીરપના જથ્થા સાથે એક શખ્સની અટકાયત કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. તપાસ અધિકારીએ મીડિયાને જણાવ્યું કે, સીરપ બાબતે એક કેસ દાખલ કરવામાં આવી રહ્યો છે. કેસની પંચનામાની કાર્યવાહી પૂર્ણ થઇ છે. જેની પોલીસ ફરિયાદ દાખલ થશે. આ કાર્યવાહીમાં આંદાજીત રૂ. 65 હજારનો મુદ્દામાલ રીકવર કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, યાકુતપુરામાંથી અગાઉ પણ અનેક વખત નશીલા પદાર્થો મળી આવ્યા છે. આ સિલસિલો નવા વર્ષે પણ જારી રહ્યો છે. આ મામલે આવનાર સમયમાં વધુ લોકોની ધરપકડ થવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી.