• પાસામાં ભાવનગરમાં જેલવાસ ભોગવતા માથાભારે ચૂઇનું વધુ એક કારસ્તાન
• જેલના ગેટ પાસે ચૂઇના સાગરીતોએ બૂમાબૂમ કરી વીડિયો ઉતાર્યો, ગુનો દાખલ
પાસા હેઠળ જેલવાસ ભોગવતા શહેરના માથાભારે ગુનેગાર સૂરજ કહાર ઉર્ફે ચૂઈ દ્વારા દારૂ પીને જેલના કર્મચારીઓ સાથે દાદાગીરી કરતા રાવપુરા પોલીસ મથકે ગુનો નોંધાયો છે. મહત્વની વાત તો એ છેકે ભાવનગર જેલમાંથી વડોદરા કોર્ટમાં હાજરી આપવા જાપ્તા સાથે આવેલા ચૂઈ સાથેના પોલીસ કર્મીએ પણ દારૂ પીધેલો હોવાથી એની સામે પણ ગુનો નોંધાયો છે.
હત્યા, ખંડણી, મારામારી સહિત દારૂ અંગેના અનેક ગુનામાં સંડોવાયેલા સૂરજ ઉર્ફે ચૂઈ રમણભાઈ કહાર હાલમાં ભાવનગર જેલ ખાતે પાસા હેઠળ જેલવાસ ભોગવી રહ્યો છે. વડોદરાની અદાલતમાં મુદત હોવાથી ભાવનગર જેલથી કોન્સ્ટેબલ મહેશ સોમાજી નિનામા જાપ્તા હેઠળ વડોદરા લાવ્યો હતો.તે દરમ્યાન વડોદરાની જેલ ખાતે એને જાપ્તા હેઠળ લાવ્યા હતા. જેલમાં પ્રવેશ માટે નામ સરનામું જેલના અમલદારે પૂછ્યું હતું, તે સમયે સૂરજ કહાર ઉર્ફે ચૂઈ ઉશ્કેરાઈ ગયો હતો અને દાદાગીરી કરવા લાગ્યો હતો. આ ઉપરાંત તેની સાથે આવેલો જાપ્તાનો કર્મચારી પણ બોલાચાલી કરવા લાગ્યો હતો.
પરિણામે બંનેની તપાસ કરવામાં આવતા કેફી પીણું પીને નશો કર્યો હોવાનું બહાર આવ્યું હતું. જેને પગલે બંને સામે જેલ કર્મચારી દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવતાં જેલના ગેટ પાસે ઉભેલા ચૂઈના સાગરીતોએ પણ જોર જોરથી બૂમાબૂમ કરવાની શરૂ કરી દીધી હતી અને વિડિયો ઉતારી વાઇરલ કરવાની ધમકી આપી હતી. કોર્ટ અને જેલના ગેટ પાસે બનેલી આ ઘટના અંગે મધ્યસ્થ જેલના ઇન્ચાર્જ જેલર રાજેશ પંડિતે ચૂઈ અને જાપ્તાના મહેશ નિનામા વિરુદ્ધ રાવપૂરા પોલીસ મથકે ગુનો નોંધ્યો છે.
ચૂઇએ અધિકારીને ધમકી આપી હતી, હું મર્ડરનો આરોપી છું, દુશ્મની ના કરો અગાઉ લોકડાઉનમાં પોલીસને પડકાર ફેંકી જેલમાંથી છૂટી રેલી કાઢનાર સૂરજ કહાર ઉર્ફે ચૂઈ એ જેલના અમલદારને ધમકી આપી હતી અને જણાવ્યું હતું કે હું વડોદરા નો સ્થાનિક આરોપી છું અને મર્ડર કેસમાં આવેલો છું મારી સાથે દુશ્મની ના કરશો એવું જણાવ્યું હોવાનું જેલના અધિકારી એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે.