વડોદરાના માસ્ટર્સના કોર્ષમાં અભ્યાસ કરતી કાજલ ચૌધરી સ્ટુડિયોમાં કામ કરી રહી હતી, દરમિયાન અચાનક કરંટ લાગતા તે સ્થળ પર જ ઢળી પડી
- MSU ની આર્ટસ ફેકલ્ટીમાં ચોંકાવનારી ઘટના સામે આવી.
- સ્ટુડિયોમાં કામ કરતા સમયે વિદ્યાર્થીનીને લાગ્યો કરંટ.
- વિદ્યાર્થીનીને હોસ્પિટલમાં લઇ જવાતા મૃત જાહેર કરાઈ.
વડોદરાની વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની જાણીતી ફાઇન આર્ટસ ફેકલ્ટીમાં આજે વિદ્યાર્થીનીનું કરંટ લાગતા મોત નિપજ્યું હોવાની ઘટના સામે આવી છે. આજે બપોરના સમયે વિદ્યાર્થીની ફેકલ્ટીમાં કંઇક કરી રહી હતી. દરમિયાન તેને કરંટ લાગતા તે ઢળી પડી હતી. બાદમાં વિદ્યાર્થીનીને તુરંત નજીકની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી.
જ્યાં ફરજ પરના તબીબો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવી છે. ઘટનાને પગલે પરિવારમાં શોકની લાગણી વ્યાપી જવા પામી છે. બીજી તરફ યુનિ. તંત્રની જીવલેણ બેદરકારી સામે વિદ્યાર્થીઓમાં ભારે રોષની લાગણી વ્યાપી જવા પામી છે. હાલ વિદ્યાર્થીનીના મૃતદેહને પરિજનોને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.
વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની જાણીતી ફાઇન આર્ટસ ફેકલ્ટીમાં આજે ચોંકાવનારી ઘટના સામે આવી છે. આજે બપોરના સમયે માસ્ટર્સના કોર્ષમાં અભ્યાસ કરતી કાજલ ચૌધરી સ્ટુડિયોમાં કામ કરી રહી હતી. દરમિયાન તેને અચાનક કરંટ લાગતા તે સ્થળ પર જ ઢળી પડી હતી.
આ ઘટના સમયે તેની નજીક હાજર અન્ય વિદ્યાર્થીઓ દોડીને તેની પાસે પહોંચ્યા હતા. સાથે જ અન્યને પણ જાણ કરવામાં આવી હતી. આ વિદ્યાર્થીનીને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવતા ફરજ પરના હાજર તબીબો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવી હતી. વિદ્યાર્થીનીનું વડોદરાની એસએસજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવ્યું છે. જે બાદ પરિજનોને તેનો મૃતદેહ સોંપાશે. યુવતિ મૂળ વલસાડની હોવાનું અને અહિંયા અભ્યાસ કરતી હોવાનું સામે આવ્યું છે.
MSU ની ફાઇન આર્ટસ ફેકલ્ટીના ડીન અંબિકા પટેલે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, મને 3 – 30 કલાકે એક શિક્ષકે બુમ પાડી હતી. અને કહ્યું કે, મેડમ તમે અહિંયા આવો, કંઇક થયું છે. જેથી હું તુરંત દોડીને ત્યાં ગઇ હતી. એક વિદ્યાર્થી કંઇક કરતી હતી, તો તેને કરંટ લાગ્યો હતો. અમે દોડીને ત્યાં પહોંચ્યા હતા. તુરંત તેને ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. વિદ્યાર્થીનીનું નામ કાજલ ચૌધરી છે. તે માસ્ટર્સમાં ભણી રહી હતી.