વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવાની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. આજ થી શહેરના 27 જેટલા પોઇન્ટ પર શહેર ટ્રાફિક પોલીસ દ્વારા કડક ચેકીંગ હાથ ધરવામાં આવશે.જેમાં રોંગ સાઈડ પર ચાલતા વાહનચાલકો પાસે દંડની વસુલાત કરવામાં આવશે.
શહેર ટ્રાફિક પોલીસ દ્વારા હવે ટ્રાફિક નિયમનનો ભંગ કરનાર વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવાની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. જેમાં દંડ ચુકવવામાં આનાકાની કરતા વાહનચાલકો માટે સ્થળ પર વિવિધ મોડમાં પેમેન્ટ સ્વીકારવાની પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આમ તો શહેર પોલીસ દ્વારા સીસીટીવીના માધ્યમથી વાહનચાલકોને દંડ કરવામાં આવે છે. જે દંડની રિસીપ્ટ ઇ-મમો દ્વારા વાહનચાલકના ઘરે પહોંચે છે. જોકે હવે ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહનચાલકોને સ્થળ પર દંડ કરવાના વિવિધ પ્રકારો પોલીસે શોધી કાઢ્યા છે.
શહેરના વિવિધ વિસ્તારમાં 27 જેટલા પોઇન્ટ પર ટ્રાફિક પોલીસ દ્વારા રેન્ડમ વાહન ચેકીંગ કરવામાં આવશે. જ્યાં સરકાર દ્વારા સુધારવામાં આવેલા દંડની જોગવાઈ પ્રમાણે ઉંચા દંડ પણ સ્થળ પર જ વસુલવામાં આવશે. જો વાહનચાલક પાસે કેશ ન હોય તો યુ.પી.આઈના માધ્યમથી પણ પેમેન્ટ સ્વીકરવામાં આવશે. અને યુ.પી.આઈથી પણ પેમેન્ટ ન કરી શકે તો ઇ-ચલણ જનરેટ કરવામાં આવશે. આ સાથે રોંગસાઈડ જતા વાહનો માટે ટુ અને થ્રિ વ્હીલરના ચાલકો પાસે 1500 રૂ.,કાર સહિત એલ.એમ.વી વાહનોના ચાલકો પાસે 3000 રૂ. તેમજ અન્ય વાહનો પાસે 5000 રૂ. સુધીના દંડની વસુલાત કરવામાં આવનાર છે. આ સમગ્ર કામગીરીમાં 200 જેટલા ટ્રાફિક પોલીસના જવાનો ખડેપગે હાજર રહેશે.