વડોદરા માં ઉત્તરાયણ પૂર્વે ચાઇનીઝ દોરીના વેચાણના વેપલા પર એસઓજી પોલીસ ની ટીમો દ્વારા દરોડા પાડીને મોટી સંખ્યામાં મુદ્દમાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસની કાર્યવાહીને પગલે પ્રતિબંધિત ચાઇનીઝ દોરી અને તુક્કલ વેચીને રોકડી કરી લેવાનું સ્વપ્ન જોતા વેપારીઓમાં ભારે ફફડાટની લાગણી વ્યાપી જવા પામી છે. આ કાર્યવાહીમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે.
વડોદરા એસઓજી પોલીસ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા માટે ટીમો સતત પ્રયત્નશીલ હોય છે. દરમિયા ઉત્તરાયણ પર્વને ધ્યાને રાખીને ચાઇનીઝ દોરા, તુક્કલ અને લોન્ચરનું વેચાણ કરનારાઓ પર વિશેષ વોચ રાખવામાં આવે છે. દરમિયાન એસઓજીના હેડ કોન્સ્ટેબલને બાતમી મળી હતી કે, મેમણ શોપીંગ સેન્ટર, આજવા રોડ, વડોદરા ખાતે આવેલી દુકાનમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો જથ્થો રાખવામાં આવ્યો છે. ત્યાર બાદ તેઓ સ્થળ પર પહોંચ્યા હતા. અને દરોડા પાડ્યા હતા. દરોડામાં 480 બોક્સ ભરીને મોટી માત્રામાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરી મળી આવી હતી.
ઉપરોક્ત કાર્યવાહી મામલે એસઓજી પોલીસ દ્વારા દુકાનમાં હાજર હફીક અલીમહંમદ મેમણ તથા પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો જથ્થો મોકલાર રહીમ ગોલાવાલા (રહે. રામ પાર્ક. આજવા રોડ, વડોદરા) સામે પાણીગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ઉક્ત કાર્યવાહીમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના જથ્થા સાથે મોબાઇલ મળીને કુલ રૂ. 2.47 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. કાર્યવાહી દરમિયાન હફીકની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે રહીમ ગોલાવાલાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
પતંગના પેચ માટેનો દોરો કોઇના જીવનનો પેચ ના કાપી જાય
અત્રે નોંધનીય છે કે, ઉત્તરાયણ પર્વે આડે હવે મહિનાથી પણ ઓછો સમય બાકી છે, ત્યારે પગંતના દોરા વડે ઇજાગ્રસ્ત અને મોતની ઘટનાઓ આવવાનું શરૂ થઇ ગયું છે. આ સમયે લોકોએ પ્રતિબંધિત ચાઇનીઝ દોરીથી દુર રહેવું જોઇએ. પતંગના પેચ માટેનો દોરો કોઇના જીવનનો પેચ ના કાપી જાય તે જોવાની આપણી સૌ ની જવાબદારી છે.