વડોદરા પાસે આવેલી ઢાઢર નદિના પટમાં ખુલ્લામાં જુગાર ધમધમતું હોવાની બાતમી સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) ની ટીમને મળી હતી. બાદમાં પંચોનો સાથે રાખીને તે સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડામાં 9 ખેલીઓને દબોચી લેવામાં આવ્યા છે. જ્યારે જુગારના સુત્રધાર અને તેના ભાગીદાર સહિત 10 લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. સમગ્ર મામલે વરણામાં પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા પામી છે.
વરણામા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, સ્ટેટ મોનીટરીંગ સેલમાં એએસઆઇને બાતમી મળી હતી કે, વડોદરાના અણખી ગામે ઠાકોરભાઇ શનાભાઇ પાટણવાડીટા અને પોર ગામના મુકેશભાઇ કાંતિભાઇ વસાવા ભાગીદારીમાં ઢાઢર નદીના કિનારે ખુલ્લી જગ્યામાં મળતીયાઓ સાથે અંદરખાને પૈસાથી હારજીતનો જુગાર રમાડે છે. બાતમીના આધારે પંચોને સાથે રાખીને દરોડા પાડવામાં આવ્યા હતા.
સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડા પાડતા જ ખેલીઓમાં નાસભાગ મચી જવા પામી હતી. દરમિયાન અટકાયત કરાયેલા શખ્સો પૈકી એકને પુછતા તેણે જણાવ્યું કે, આ જુગાર ઠાકોરભાઇ શનાભાઇ પાટણવાડીયા અને મુકેશભાઇ કાંતિભાઇ વસાવા ચલાવતા હોવાનું જણાવ્યુ હતું. દરોડમાં તેઓ લાગ જોઇને નાસી ગયા હતા.
ઉપરોક્ત કાર્યવાહીમાં સંજય ઓમપ્રકાશ સલુજા (રહે. પ્રવણ વાટીકા, વાઘોડિયા), મુકેશભાઇ કલ્યાણભાઇ શાહ (રહે. આનંદ બાગ, તરસાલી-સુશેન રોડ), ધનેશભાઇ લક્ષ્મણભાઇ વસાવા (રહે. સુરજ એવન્યુ એપાર્ટમેન્ટ, ગોરવા-પંચવટી), બરકત સલીમ શેખ (રહે. જુમ્મા મસ્જીદ પાસે, જંબુસર), ગુલામભાઇ રસુલભઆઇ વ્હોરા (રહે. વસાવા મહોલ્લા, અટલાદરા, વડોદરા), સાગરભાઇ રાજેશભાઇ ખત્રી (રહે. નીલકંઠ પાર્ક, ઉધના), મહંમદહુસૈન કરીમભાઇ ઘોડાવાલા (રહે. નેશનલ પાર્ક. જંબુસર), આરીફભાઇ રફીકભાઇ કુરેશી (રહે. નવા ટાવર, સંખેડા), યાકુબભાઇ અબ્બાસભાઇ પટેલ (રહે. મસ્જીદ પાસે, સારોદ) ની ધરપકડ કરવામાં આવી છે. ઉપરોક્ત તમામ ખેલીઓ હતા.
જ્યારે આ મામલે જુગારનો ધંધો ચલાવનાર મુખ્ય આરોપી ઠાકોરભાઇ શનાભાઇ પાટણવાડીયા (રહે. અણખી, વડોદરા ગ્રામ્ય) અને તેના ભાગીદાર મુકેશભાઇ કાંતિભાઇ વસાવા (રહે. પોર, વડોદરા ગ્રામ્ય) તથા વાહન અને મોબાઇલ નંબરના આધારે અન્ય 8 ઇસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ઉપરોક્ત કાર્યવાહીમાં વરણામા પોલીસ મથકમાં 19 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. સ્ટેટ મોનીટરીંગ સેલની મોટી કાર્યવાહીને પગલે જુગારીયાઓમાં ભારે ફફડાટની લાગણી જોવા મળી રહી છે.