વડોદરાના જાંબુઆમાં BSUP હાઉસિંગના મકાનો આવેલા છે. આ મકાનો 12 વર્ષમાં જ ખખડી ગયા હોવાનું ધ્યાને આવતા વિપક્ષના નેતા અમીબેન રાવત તાજેતરમાં જ સ્થળ મુલાકાતે ગયા હતા. અને નાગરિકોની સમસ્યાને ઉજાગર કરી હતી. તેમ છતાં તંત્ર દ્વારા કોઇ નક્કર કાર્યવાહી કરવામાં નહી આવતા આજે અહિંયા અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં સ્લેબનો એક ભાગ પડતા વૃદ્ધ મહિલાને બરડાના ભાગે ઇજાઓ પહોંચી છે. આ તકે અમીબેન રાવતે આરોપ મુક્યો કે, તંત્ર કોઇ મોટી દુર્ઘટનાની રાહ જોઇ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે.
ચોમાસા પહેલાથી પાલિકા તંત્ર દ્વારા જર્જરિત ઇમારતો-મકાનો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પરંતું તંત્રની કામગીરી સિવાય પણ કેટલાય જર્જરિત માળખા હોવાનું વિપક્ષના નેતા દ્વારા ધ્યાને લાવવામાં આવ્યું હતું. આ પૈકી એક જાંબુઆમાં બીએસયુપીના આવાસ હતા. આ આવાસ બન્યાને હજી 12 વર્ષ જેટલો સમય જ વિત્યો છે. ત્યાં તો આરસીસી સ્ટ્રક્ચરથી લઇને ઘરોની હાલત ખખડધજ્જ જોવા મળી હતી. હાલના દિવસોમાં અમીબેન રાવત દ્વારા સ્થળ મુલાકાત લઇને હકીકતથી તંત્રને વાકેફ કરાવવાનો પ્રયત્ન કર્યો હતો.
તેમ છતાં તંત્ર નિંદ્રાધીન રહ્યું હતું. અને જેનો ડર હતો તે ઘટના સામે સામે આવવા પામી છે. આજે મોડી સાંજના સમયે જાંબુઆ આવાસના મકાનોમાં છતનો પોપડો પડતા એક વૃદ્ધ મહિલા ઇજાગ્રસ્ત થઇ છે. આ તકે અમીબેન રાવત દ્વારા જણાવાાયું કે, માત્ર 12 વર્ષમાં જ આસસીસીનું માળખું કેવી રીતે ખખડધજ્જ થઇ શકે ! પાલિકા દ્વારા તાત્કાલીક ધોરણે અહિંયા રહેતા લોકોને વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડવી જોઇએ. જો તેમ કરવામાં તંત્ર નિષ્ફળ જશે, અને કોઇ દુર્ઘટના ઘટે તો તેની માટે જવાબદાર પાલિકાના મ્યુનિસિપલ કમિશનર રહેશે.