ડીન ઓફિસ બહાર ABVPના ધરણા: ‘ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલન થશે’ તેવી ચીમકી.
સત્તાધીશો ક્યારે જાગશે? પ્રોફેસર કસૂરવાર છે કે નહીં તે તો તપાસમાં ખબર પડશે, પણ આ ઘટનાએ શિક્ષણ જગતને લાંછન લગાડ્યું છે.
વિદ્યાના ધામ ગણાતી વડોદરાની બરોડા મેડિકલ કોલેજ અત્યારે એક ગંભીર વિવાદના ઘેરામાં છે. ફાર્માકોલોજી વિભાગના સિનિયર પ્રોફેસર અને વાઈસ ડીન ડો. અમૂલ ભાવે સામે બીજા વર્ષની ૧૩ જેટલી વિદ્યાર્થીનીઓએ જાતીય સતામણીના સનસનાટીભર્યા આક્ષેપો કર્યા છે. આ મામલે આજે વિદ્યાર્થી સંગઠન ABVP દ્વારા મેડિકલ કોલેજ ખાતે ભારે સૂત્રોચ્ચાર અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
❓શું છે સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, બીજા વર્ષના પ્રેક્ટિકલ વાઈવા ચાલી રહ્યા હતા ત્યારે ડો. અમૂલ ભાવેએ વિદ્યાર્થીનીઓ સાથે અશોભનીય વર્તન કર્યું હતું. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, પ્રોફેસરે વિદ્યાર્થીનીઓનો હાથ પકડી પોતાના શરીર પર આંગળીઓ ઘસાવી હતી અને “અહીં ક્રીમ લગાવો તો કેવું લાગે?” જેવા અશ્લીલ સવાલો કર્યા હતા. એક વિદ્યાર્થીનીએ તો ત્યાં સુધી આક્ષેપ કર્યો છે કે આખા વાઈવા દરમિયાન પ્રોફેસરે તેનો હાથ પકડી રાખ્યો હતો.
🟠ABVPનો વિરોધ અને માંગણી:
આ ઘટનાના વિરોધમાં આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) ના કાર્યકર્તાઓ અને નેતાઓ એસએસજી હોસ્પિટલ સ્થિત ડીન ઓફિસ પહોંચ્યા હતા. જોકે, ડીન ઓફિસને તાળા લટકેલા જોઈ કાર્યકર્તાઓનો રોષ બેવડાયો હતો અને તેઓએ ત્યાં જ ધરણા શરૂ કર્યા હતા.
કૃપા ઠાકોર (ABVP કાર્યકર): “કેમ્પસમાં દીકરીઓ સુરક્ષિત નથી તે નીંદનીય છે. અમે નિષ્પક્ષ તપાસ કમિટીની માંગ કરીએ છીએ અને જો પ્રોફેસર કસૂરવાર સાબિત થાય તો કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ.”
વેદ ત્રિવેદી (ABVP અધ્યક્ષ): “13 વિદ્યાર્થીનીઓએ નામ આપ્યા વગર હિંમત બતાવી લેખિત ફરિયાદ કરી છે. તપાસ કમિટીના હેડ 7 દિવસ પછી આવશે તેવી વાતો કરી ન્યાયમાં વિલંબ કરવામાં આવી રહ્યો છે, જે ચલાવી લેવાશે નહીં.”
🧐તંત્રની ભૂમિકા:
હાલ આ મામલે કોલેજ પ્રશાસન દ્વારા તપાસ સમિતિની રચના કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. પરંતુ વિદ્યાર્થી સંગઠનોમાં એ વાતને લઈને નારાજગી છે કે આવી સંવેદનશીલ ઘટનામાં પણ તંત્ર ધીમી ગતિએ કામ કરી રહ્યું છે. જો આગામી દિવસોમાં સંતોષકારક પગલાં નહીં લેવાય, તો વિદ્યાર્થી પરિષદે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.