વડોદરા માં બર્થડે ઉજવણી સાગરિતો જોડે જાહેરમાં કારના બોનેટ પર કેક કાપીને, અને ફટાકડા ફોડીને કરી, સાગરિતોના હાથમાં બાટલીઓ હોવાનું જનાવ્યું
- શહેરના સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયો
- જાહેરમાં બુટલેગરે કાયદાના લીરા ઉડાડતા જન્મદિવસની ઉજવણી કરી
- આખી ટોળકીને દબોચીને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું
શહેરમાં નવી કોર્ટની પાછળ દિવાળીપુરામાં રહેતા બુટલેગરે જાહેરમાં બર્થડેની ઉજવણી કરી હોવાના વીડિયો સામે આવ્યા હતા.આ વીડિયોમાં કારના બોનેટ પર કેક મુકીને કાપવામાં આવી હતી. બાદમાં હાથમાં બાટલીઓ લઇને બધા ડાન્સ કરતા નજરે પડી રહ્યા છે. આ વીડિયો વાયરલ થતાની સાથે જ પોલીસ એક્શનમાં આવી હતી. અને જાહેરમાં બર્થડે પાર્ટી ઉજવીને કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાડનાર બુટલેગર અને તેના સાગરિતોને દબોચી લીધા હતા. બાદમાં બધાયને પોલીસ મથક ખાતે લાવીને કાન પકડાવી, કુકડો બનાવીને ઉઠક બેઠક કરાવવામાં આવી હતી.
શહેરમાં દિવાળીપુરા વિસ્તારના જાણીતા બુટલેગર સંજય ઉર્ફે ક્રિષ્ના રાજુ માળીનો જન્મદિવસ હતો. તેની ઉજવણી તેણે તેના સાગરિતો જોડે જાહેરમાં કારના બોનેટ પર કેક કાપીને, અને ફટાકડા ફોડીને કરી હતી. એટલું જ નહીં તેના સાગરિતોના હાથમાં બાટલીઓ હોવાનું પણ સામે આવ્યું હતું. તેઓ બોટલમાંથી કંઇક પી રહ્યા હતા, અને રસ્તા પર જ ઝૂમી રહ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો હતો. જે બાદ અકોટા પોલીસ એક્શનમાં આવી હતી. અને બુટલેગર સંજય ઉર્ફે ક્રિષ્ના રાજુ માળી સહિત તેના સાગરિતોને દબોચી લેવામાં આવ્યા હતા.
જ્યારે ઉજવણી બાદ પોલીસે બુટલેગર અને તેના સાગરિતોની મસ્તી ઉતારી દીધી હતી. કાર સહિત પોલીસે તમામ સંજય ઉર્ફે ક્રિષ્ના રાજુ માળી, સાહિલ ઉર્ફે જહુ અર્જુન માળી, અલ્પેશ ચીમન મકવાણા, પ્રકાશ મુકેશ માળી, યજ્ઞદેવ સિંહ, અશોકસિંહ જાડેજા તથા પ્રિન્સ સંગીત જાદવની અટકાયત કરી હતી. અને અકોટા પોલીસ મથકે તમામને લાવવામાં આવ્યા હતા. જ્યાં તેમના કાન પકડાવી, કુકડો બનાવીને ઉઠક બેઠક કરાવવામાં આવી હતી. આમ, જે સોશિયલ મીડિયામાં કાયદો તોડ્યાનો વીડિયો વાયરલ થયો હતો. ત્યાં જ હવે પોલીસની કાર્યવાહીનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. અને લોકો પોલીસની કામગીરીની સરાહના કરી રહ્યા છે.