Savli

દારૂ બંધ કરાવવા ગયા અને દૂધ બંધ થઇ ગયું !, ગામની ભલાઈ કરવા જતા સરપંચ જૂથનો થયો સામાજીક બહિષ્કાર !

Published

on

સરપંચ અને ગામની મહિલાઓ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી , દૂધ મંડળીએ સરપંચ અને તેના સમર્થક જૂથનું દૂધ લેવાનું બંધ કરી દીધું ..

  • ગ્રામ સભામાં મહિલાઓની રજૂઆત બાદ સરપંચ અને તલાટીએ બુટલેગરોને સમજાવ્યા હતા
  • ગામમાં દેશી શરાબનું વેચાણ બંધ કરાવવા માટે ગ્રામ પંચાયતે મુહિમ ઉપાડી લીધી
  • 15 ઓક્ટોબરે સરપંચ સાથે મહિલાઓએ બુટલેગરોની શરાબના ભટ્ઠાઓ પર જનતા રેડ કરી
  • બુટલેગરોના સમર્થનમાં દૂધ મંડળીએ સરપંચ સમર્થકોનું દૂધ લેવાનું બંધ કરી દીધું!

વડોદરા જીલ્લાના સાવલી તાલુકાના તુલસીપુરા ગામે સરપંચ તરીકે ચુટાયેલા મહેશભાઈને બીજી ઓક્ટોબરે મળેલી ગ્રામ સભામાં મહિલાઓએ ગામમાં દેશી શરાબની હાટડીઓ બંધ કરવવા માટે રજૂઆત કરી હતી. જે રજૂઆતને ગ્રામ સભાના એજન્ડામાં નોંધવામાં આવી હતી. મહિલાઓએ રજૂઆત કરી હતી કે અમારા પતિ આખા દિવસની કાળી મજુરીની મહેનત દારૂના અડ્ડા પર મુકીને આવે છે. જેના કારણે ઘરમાં કશું બચતું નથી. દારૂના અડ્ડા બંધ થાય તો મહિલાઓનું જીવન સુધરે..

આ રજૂઆત બાદ ગામના સરપંચ મહેશભાઈ અને તલાટી દ્વારા શરાબનો વેપલો અને ઉત્પાદન કરતા બુટલેગરોને ઘરે ઘરે જઈને સમજાવ્યા હતા. અને દારૂનું ઉત્પાદન બંધ કરવા માટે સુચના પણ આપી હતી. જોકે એક સપ્તાહ સુધી બુટલેગરોએ ગ્રામ પંચાયત અને ગ્રામસભાની રજુઆતોને ગંભીરતાથી લીધી ન હતી. જયારે અંતે સરપંચ મહેશભાઈ દ્વારા ગામની મહિલાઓને સાથે રાખીને દેશી શરાબના ભટ્ઠાઓ પર જનતા રેડ કરવામાં આવી હતી. મહિલાઓનો રોષ જોઇને બુટલેગરો સ્થળ પરથી નાસી છૂટ્યા હતા. અને મહિલાઓએ શરાબના ભટ્ઠાઓનો નાશ કર્યો હતો.

સરપંચ અને ગામની મહિલાઓ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી બુટલેગરના સમર્થક જૂથને પસંદ નહિ પડતા સરપંચ અને તેના સમર્થકોનો સામાજિક બહિષ્કાર કરવાનું શરુ કરી દીધું હતું. તુલસીપુરા ગામના પેટા પરા ભગાના મુવાડા ગામમાં આવેલી દૂધ મંડળીએ સરપંચ અને તેના સમર્થક જૂથનું દૂધ લેવાનું બંધ કરી દીધું હતું. પશુપાલનના પ્રમાણિક વ્યવસાય કરતા ગ્રામજનોને બુટલેગર સમૂહ દ્વારા હેરાન કરવાનું શરુ કરતા લોકો લાચાર થઇ પડ્યા હતા. દારુ બંધ કરાવવા જતા દૂધ બંધ થયાની ઘટનાની ચર્ચાએ પંથકમાં જોર પકડ્યું હતું. જયારે મોડે મોડે સમજાવટ બાદ દૂધ મંડળીએ દૂધ લેવાનું શરુ કર્યું હતું.

સમગ્ર પ્રકરણમાં ધર્મ કરતા ધાડ પડી જેવો ઘાટ સર્જાયો હતો. ગામની ભલાઈ માટે કામ કરતા સરપંચ સામે સામાજિક બહિષ્કારનું શસ્ત્ર ઉગામનાર બુટલેગરોને કોનું સમર્થન હશે? દૂધ મંડળીને હથિયાર તરીકે ઉપયોગ કરીને ગામમાં દેશી શરાબની હાટડી ચાલુ રખાવવા માટે ક્યા સ્થાપિત હિતો કામ કરતા હશે? તેવા અનેક પ્રશ્નો અહિયાં ઉદ્ભવે છે.

Trending

Exit mobile version