- બાતમીના આધારી LCBની ટીમે વોચ ગોઠવી હતી,ગાડી આવતાની સાથે જ કોર્ડન કરી
- પોલીસને જોઇને ચાલક ભાગ્યો, શરાબનો જથ્થો અને ગાડી પોલીસના હાથે લાગી
બુટલેગર વિનુ માળી સામે ભૂતકાળમાં અસંખ્ય પ્રોહીબીશનના ગુન્હાઓ નોંધાયેલા છે.
વડોદરા ગ્રામ્ય LCBની ટીમે સાવલીના ભાદરવા ચોકડી નજીક બુટલેગર વીનુ માળીએ મંગાવેલા વિદેશી શરાબના જથ્થાને ઝડપી પાડીને બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરીને 10 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે લીધી છે.
વડોદરા ગ્રામ્ય LCBની ટીમને બાતમી મળી હતી કે, સાવલીના ભાદરવા ચોકડીના બુટલેગર વિનુ રતિલાલ માળી નો ડ્રાઈવર પ્રદીપ રાજુભાઈ માળી બોલેરો પીકઅપમાં વિદેશી શરાબનો જથ્થો ભરીને ભાદરવા તરફથી સાવલી તરફ આવનાર છે જે બાતમીના આધારે પોલીસે ખાનગી વાહનોમાં ભાદરવા ચોકડી નજીક અરવિંદપાર્ક સોસાયટી નજીક વોચ ગોઠવી હતી. જ્યાં શરાબ ભરીને આવેલી બોલેરો પીકઅપને રોકવા જતા ચાલક પ્રદીપ માળી ગાડી સ્થળ પર મુકીને નાસી છૂટ્યો હતો.
પોલીસે 5.54 લાખની કિંમતની વિદેશી શરાબની 2352 નંગ નાની બોટલો,5 લાખની કિંમતની બોલેરો પીકઅપ ગાડી તેમજ મોબાઈલ ફોન મળીને 10.59 લાખનો મુદ્દામાલ કબજે લીધી હતો જયારે ચાલક પ્રદીપ માળી અને શરાબનો જથ્થો મંગાવનાર બુટલેગર વિનુ માળીને વોન્ટેડ જાહેર કરીને સાવલી પોલીસ મથકે પ્રોહીબીશનનો ગુન્હો નોંધીને આગળની તજવીજ હાથ ધરી છે.