વડોદરા ગ્રામ્યના સાવલીમાં સાસુની નજર સામે જમાઇએ દમ તોડ્યો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં પાડોશમાં રહેતા પિતા-પુત્રએ પરિવારના જમાઇ પર દંડા વડે બેરહેમીપૂર્વક માર માર્યો હતો. જેના અંતમાં ધક્કો મારીને ફેંકતા તે જમીન પર પડ્યા હતા. બાદમાં તેઓને ઉઠાડવાના અનેક પ્રયત્નો સફળ રહ્યા ન્હતા. આખરે ઉક્ત મામલે પિતા-પુત્ર સામે સાવલી પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
સાવલી પોલીસ મથકમાં લીલાબેન રાઠોડ (રહે. સાવલી, ઉંડી ખડકી) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેમની દિકરીના લગ્ન દામનપુરા ગામે રહેતા મહેન્દ્રભાઇ જામસિંહ પરમાર સાથે થયા હતા. દિકરી જમાઇ પાંચેક વર્ષથી સાવલીના કુંભારવગામાં ભાડેથી અલગ રહે છે. તેઓ સાવલી ઉદલપુર રોડ પર ભાટપુરા ચોકડી નજીકમાં હોટલ ભાડેથી ચલાવતા હતા. પરંતુ પાંચ મહિનાથી હોટલ બંધ કરી દીધી છે.
તાજેતરમાં તેઓ બંગ્લે કામ કરીને બપોરે પરત આવ્યા હતા. ત્યારે તેમના જમાઇ સુરતથી પરત આવ્યા હતા. જેથી તેઓ ઘરે જમ્યા હતા. ત્યાર બાદ જમાઇ સાંજે કોઇને કહ્યા વગર રોડ તરફ નિકળી ગયા હતા. અને સાસુ ઘરનું કામકાજ કરી રહ્યા હતા. દરમિયાન પાડોશી મહિલાએ તેમને હિન્દીમાં જણાવ્યું કે, તમારા જમાઇ રોડ તરફ છે, અને તેઓ દુકાનોમાં ભરાઇ જાય છે. તેમની વાત સાસુને સમજાઇ ન્હતી.
જમાઇને કોઇક વખત મગજ અસ્થિર જેવું થઇ જતું હતું. જેથી તેઓ તુરંત તેમને શોધવા માટે નિકળ્યા હતા. તેઓ નંદનવન હોટલ થઇને ભાટપુરા ચોકડી તરફ જતા જમાઇને કલ્પેશભાઇ ઉર્ફે બ્રિજેશભાઇ ચંદ્રકાંત પટેલ અને તેમને છોકરો રૂદ્ર દંડા વડે મારી રહ્યા હતા. અને ટ્રેક્ટરના શોરૂમથી માર મારતા લાવી રહ્યા હતા. જેથી મહિલાઓ જમાઇને ના મારશો તેવી બુમો પાડી હતી.
દરમિયાન કલ્પેશભાઇએ હાથમાં રાખેલો દંડો જમાઇને માથાના પાછળના ભાગમાં મારી દીધો હતો. અને રૂદ્રએ દંડો પગમાં માર્યો હતો. જે બાદ જમાઇને સિમેન્ટની પાળી નજીક લઇ જઇ તેને ધક્કો મારતા તે અંદરના ભાગે પડી ગયા હતા. બાદમાં બંને તેમના ઘર તરફ જતા રહ્યા હતા.
સાસુએ પડી ગયેલા જમાઇ પાસે જઇ તેમને ઉભા કરવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યાર બાદ તેમને પાણી આપવામાં આવ્યું હતું. પરંતુ જમાઇએ પાણી પીધું ન્હતું. અને તે જમીન પર ઢળી પડ્યા હતા. અને કંઇ પણ બોલતા ન્હતા. તેમના માથાના પાછળના ભાગેથી લોહી નિકળતું હતું. આખરે ઉપરોક્ત મામલે સાવલી પોલીસ મથકમાં કલ્પેશભાઇ પટેલ અને રૂદ્ર પટેલ (રહે. સાવલી ટાઉન, સાવલી) સામે ફરિયાદ નોંધવામાં આવી છે.