- મંજુસર પોલીસ મથક, સાવલી પોલીસ મથક, ડેસર પોલીસ મથક, અને ભાદરવા પોલીસ મથક વિસ્તારમાં પકડાયેલા વિદેશી દારૂનો નાશ
- વડોદરા ગ્રામ્ય પોલીસે પ્રોહીબીશનના મુદ્દામાલનો નાશ કર્યો
- ચાર પોલીસ મથકમાં કુલ મળીને રૂ. 3.01 કરોડનો દારૂ પકડાયો હતો
ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં આ કાર્ય પાર પાડવામાં આવ્યું છે
વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા દારૂબંધીની અમલવારી માટે અસરકારક કામગીરી કરવામાં આવે છે. વિતેલા મહિનાઓમાં પોલીસ કાર્યવાહી દરમિયાન જપ્ત કરવામાં આવેલા દારૂના મુદ્દામાલનો કાયદેસરની રાહે નિકાલ કરવા માટેની મંજૂરી મેળવવામાં આવી હતી. ત્યાર બાદ પોલીસે મંજુસર જીઆઇડીસીમાં ખુલ્લી જગ્યામાં સક્ષમ અધિકારીઓની હાજરીમાં રૂ. 3.01 કરોડના વિદેશી દારૂના મુદ્દામાલનો નાશ કર્યો છે. તમામને રોડ પર પાથરીને તેના પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે.
સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરા ગ્રામ્ય પોલીસના વડા દ્વારા ગ્રામ્ય ડિવીઝનમાં સમાવિષ્ટ પોલીસ મથકોમાં જુદા જુના ગુનાના કામે કબ્જે કરેલા વિદેશી દારૂના મુદ્દામાલનો નાશ કરવા માટે જરૂરી સૂચનો કર્યા હતા. ત્યાર બાદ મંજુસર પોલીસ મથક, સાવલી પોલીસ મથક, ડેસર પોલીસ મથક, અને ભાદરવા પોલીસ મથક વિસ્તારમાં પકડી પાડવામાં આવેલા વિદેશી દારૂના જથ્થાના નાશ માટે નામદાર કોર્ટ પાસેથી મંજુરી મેળવવામાં આવી હતી. ત્યાર બાદ તાજેતરમાં મંજુસર જીઆઇડીસીમાં આવેલી ખુલ્લી જમીનમાં રૂ. 3.01 કરોડના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે.
આ પ્રોહીબીશનનો મુદ્દામાલ નાશ કરવાની પ્રક્રિયા સમયે સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટ, સાવલી, વિભાગીય પોલીસ અધિક્ષક, વડોદરા ગ્રામ્ય, અધિક્ષક, નશાબંધી અને આબકારી ખાતું અને તમામ પોલીસ મથકના પીઆઇ હાજર રહ્યા હતા. મંજુસર પોલીસ મથકમાંથી 21 ગુનાઓ, સાવલી પોલીસ મથકમાંથી 35 ગુનાઓ, ડેસર પોલીસ મથકમાંથી 5 ગુનાઓ અને ભાદરવા પોલીસ મથકમાંથી 11 ગુનાઓ હેઠળ મળીને કુલ. રૂ. 3.01 કરોડનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. જેનો નાશ કરવામાં આવ્યો છે.