10 મહિના પહેલા ધારાસભ્ય દ્વારા કરવામાં આવેલી બોગસ ખેડૂતોની એન્ટ્રી અંગેની ફરિયાદમાં હવે તંત્ર દ્વારા તપાસ કરીને જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના સામંતપુરા ગામે ખોટા મરણના દાખલા તેમજ ખોટા દસ્તાવેજો ઉભા કરીને એક નિયત સમય દરમિયાન કેટલાક ભૂમાફિયાઓને બોગસ ખેડૂતો તરીકે પ્રસ્થાપિત કરવાની કોશિશ કરવામાં આવી હતી. જે અંગે સ્થાનિક ગ્રામજનોએ ધારાસભ્યને 10 મહિના પહેલા રજૂઆત કરી હતી.
જે તે સમયે જરૂરી પુરાવા લઈને ધારાસભ્ય પોતે પોલીસ સ્ટેશન ગયા હતા અને તપાસ કરીને પોલીસ ફરિયાદ નોંધવાની માંગણી કરી હતી.સમગ્ર બોગસ ખેડૂત કૌભાંડમાં કેટલાક મહેસુલ વિભાગના અધિકારીઓની પણ સંડવણી હોવાની શંકા જતા પોલીસે ધનિષ્ઠ તપાસ શરૂ કરી હતી.
જેમાં 10 મહિના બાદ 20 જુને સમગ્ર મામલે પ્રથમ પોલીસ ફરિયાદ નોંધાવા જઈ રહી છે. સાવલી ધારાસભ્ય કેતન ઇનામદાર સાથે થયેલી વાતચીત પ્રમાણે, સામંતપુરા બોગસ ખેડૂત કૌભાંડમાં કેટલાક અધિકારીઓ સામે આજે ગુનો નોંધાશે. આ સાથે રાજ્ય સરકાર પાસે સમગ્ર બોગસ ખેડૂતો કૌભાંડની તપાસ માટે SIT ની રચના કરવાની પણ માંગણી કરવામાં આવી છે. પ્રાથમિક તબક્કે નોંધાયેલી ફરિયાદ બાદ તપાસમાં જે અધિકારીઓની સંડોવણી સામે આવશે તે તમામ વિરુદ્ધ ફોજદારી ગુન્હો નોંધીને કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી રાજ્ય સરકારમાં કરવામાં આવી છે.