ધાર્મિક સ્થળ પર હુમલો:સાવલીના ખોખર ગામે હનુમાનજી મંદિર અને ગૌશાળામાં અસામાજિક તત્વો દ્વારા તોડફોડ.
મહંતનો ગંભીર આક્ષેપ:“મારી હત્યા થઈ શકે છે” – ગૌશાળામાં તોડફોડ બાદ મહંત દયાનંદજી સરસ્વતીએ વ્યક્ત કર્યો ભય.
તંત્ર સામે સવાલો:સરપંચ, ઉપસરપંચ અને તલાટીને અગાઉ રજૂઆત કરવા છતાં કેમ ન મળી સુરક્ષા?
સંત સમાજની ચીમકી:જો ન્યાય અને સુરક્ષા નહીં મળે તો ગુજરાતભરના સાધુ-સંતોને સાથે રાખી ગાંધી ચિંધ્યા માર્ગે થશે આંદોલન.
વડોદરા/સાવલી: વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ખોખર ગામમાંથી સનાતન ધર્મીઓ અને સાધુ-સંતોને હેબતાવી દેતી એક આઘાતજનક ઘટના સામે આવી છે. ખોખર ગામમાં આવેલા ઐતિહાસિક હનુમાનજી મંદિર અને આશ્રમની ગૌશાળામાં અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરી નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. આ ઘટનાને પગલે આશ્રમના મહંતે પોતાની જાનનું જોખમ હોવાનો સનસનીખેજ આક્ષેપ કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
🐄ગૌશાળાને નિશાન બનાવાઈ:
મળતી માહિતી મુજબ, મહંત શિવાનંદજી સરસ્વતીના શિષ્ય મહંત દયાનંદજી સરસ્વતી દ્વારા સેવાભાવી લોકોના સહયોગથી આશ્રમ પરિસરમાં ગૌશાળાનું પવિત્ર કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. જોકે, આ ગૌશાળા કેટલાક અસામાજિક તત્વોની આંખમાં કંચનની જેમ ખૂંચતી હતી. મહંતના જણાવ્યા અનુસાર, થોડા સમય પહેલાં જ તેમણે ગામના સરપંચ, ઉપસરપંચ અને તલાટીને ગૌશાળા સંબંધિત સ્થાનિક મુદ્દાઓ અંગે લેખિત-મૌખિક રજૂઆતો કરી હતી. પરંતુ તંત્ર જાગે તે પહેલાં જ અજાણ્યા તત્વોએ રાત્રિના અંધારામાં ગૌશાળામાં તોડફોડ કરીને મોટું નુકસાન પહોંચાડ્યું છે.
🧐મહંતે વ્યક્ત કરી હત્યાની આશંકા:
આ તોડફોડની ઘટના બાદ મહંત દયાનંદજી સરસ્વતી અત્યંત ભયભીત કન્ડિશનમાં છે. તેમણે સરકાર અને પોલીસ પ્રશાસન સમક્ષ ગુહાર લગાવતા જણાવ્યું છે કે, “આ ઘટના બાદ મને મારા જીવન અંગે ગંભીર ભય સતાવી રહ્યો છે. ભવિષ્યમાં આ અસામાજિક તત્વો મારી હત્યા પણ કરી શકે છે.” તેમણે સરકારને વિનંતી કરી છે કે ધાર્મિક સ્થળો અને ગૌમાતાના આશ્રયસ્થાનને નુકસાન પહોંચાડનારા ગુંડા તત્વોને તાત્કાલિક જેલભેગા કરવામાં આવે અને આશ્રમને સુરક્ષા પુરી પાડવામાં આવે.
🤨સાધુ-સંતો મોરચો માંડશે:
આ ઘટનાને લઈને માત્ર સાવલી જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતના સંત સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. મહંતે તીખા શબ્દોમાં ચીમકી ઉચ્ચારી છે કે, જો આ મામલે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરીને ન્યાય આપવામાં નહીં આવે, તો ગુજરાત સહિત દેશભરના વિવિધ મંડળોના સાધુ-સંતો, મહંતો અને સનાતન ધર્મના આગેવાનો વડોદરામાં એકઠા થશે અને સરકાર સામે રેલી, ઉપવાસ તેમજ ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલનનું રણશિંગું ફૂંકશે.
🫵ગુજરાતમાં જ્યાં એક તરફ ગૌવંશની રક્ષાની વાતો થાય છે, ત્યાં સાવલીના ખોખર ગામમાં સાધુઓ અને ગૌશાળા સુરક્ષિત નથી તે અત્યંત ચિંતાજનક બાબત છે. હવે જોવાનું એ રહેશે કે સાવલી પોલીસ આ અસામાજિક તત્વોની શાન ક્યારે ઠેકાણે લાવે છે.