પાંચ મજૂરો રોડ સમારકામમાં વ્યસ્ત હતા ત્યારે એક બેકાબૂ કાર ચાલકે સ્ટીયરિંગ પર કાબૂ ગુમાવી કારને મજૂરો પર ફરી વળવી હતી.
- પાદરા, સરસવણી ગામ નજીક એક્સપ્રેસવે પર બુધવારે લગભગ સવારે 9 વાગ્યે થયો માર્ગ અકસ્માત.
- ટક્કરમાં બે મજૂરો, દિલીપ દહિયા અને મનોજ કુમાર, ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા, અન્ય ત્રણ મજૂરો જીવિત બચ્યા
- ઘટનાની જાણ થતાં જ પાદરા પોલીસ પહોંચી, મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા અને કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો.
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર વડોદરાના પાદરા નજીક બુધવારે સવારે એક ભયાનક માર્ગ અકસ્માત બન્યો હતો. પાદરાના સરસવણી ગામ નજીક રોડ મેન્ટેનન્સનું કામ કરી રહેલા પાંચ મજૂરોને પૂર ઝડપે દોડતી કારએ ટક્કર મારી હતી. આ ઘટનામાં બે મજૂરોના ઘટનાસ્થળે જ કરૂણ મોત થયા હતા, જ્યારે ત્રણ મજૂરો નસીબ જોગે બચી ગયા હતા.
પ્રાથમિક માહિતી મુજબ, સવારે લગભગ 9 વાગ્યે વડોદરાથી ભરૂચ તરફ જઈ રહેલી કારનો ચાલક અચાનક સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી બેઠો હતો. પરિણામે, કાર સીધી રોડની સાઈડમાં કામ કરી રહેલા મજૂરો પર ફરી વળી હતી. ટક્કરમાં દિલીપ દહિયા અને મનોજ કુમાર નામના બંને મજૂરો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને એમના મોત થયા હતા.
ઘટનાના સાક્ષી બનેલા સાથી મજૂર સાગર પ્રજાપતિએ જણાવ્યું હતું કે બધા જ લોકો સવારે 8:30 વાગ્યે સાઇટ પર પહોંચીને સેફ્ટી ગિયર પહેરીને કામ કરી રહ્યા હતા, ત્યારે આ દુર્ઘટના બની.ઘટનાની જાણ થતા જ પાદરા પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. પોલીસે અકસ્માત સર્જનાર કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે અને ચાલકની ઓળખ તથા ધરપકડ માટે તજવીજ હાથ ધરી છે.