વડોદરા શહેરના સમા વિસ્તારમાં મારક હથિયારો સાથે સામસામે જૂથ અથડામણ કરી રહેલા 16 જેટલા આરોપીઓની સમા પોલીસે ધરપકડ કરીને ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે.
ગત 18 તારીખે રાત્રે પોલીસ કંટ્રોલ રૂમમાં એક મહિલાનો કોલ આવ્યો હતો કે, શુકલા નગર આયેશા બીબીની ચાલીમાં કેટલાક લોકો તેઓના પતિને મારવા માટે આવી રહ્યા છે. જે કોલ મળતા સમાં પોલીસ મથકની PCR વાન સ્થળ પર મોકલી આપી હતી. એટલામાં સ્થળ પર કેટલાક હથિયારો અને તલવારો સાથે બે ટોળા સામસામે આવી ગયા હતા. જેથી પોલીસે અન્ય સ્ટાફને મદદ માટે બોલાવ્યો હતો.
ઝઘડો વિકરાળ સ્વરૂપ ધારણ ન કરે તે માટે પોલીસે બંને તરફના ટોળાને સમજવવાના પ્રયત્નો કર્યા હતા. તેમ છતાંય ટોળાએ એક બીજા પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. પોલિસે તાત્કાલિક સ્થિતિ સંભાળીને હુમલાખોર તત્વોની ધરપકડ શરૂ કરી દીધી હતી. જેમાંથી 16 જેટલા હુમલાખોર તત્વોની સ્થળ પરથી ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
સમગ્ર ઘટનામાં પોલીસે ટોળા વિરુદ્ધ રાયોટિંગનો ગુન્હો નોંધીને મારક હથિયારો કબજે લીધા છે. જ્યારે વોન્ટેડ આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.