ફતેગંજ વિસ્તારમાં આવેલ કોર્પોરેશનની વોર્ડ નંબર 3ની કચેરી સામે જ કચરાના ઢગલા જોવા મળ્યા હતા.
- શહેરના અનેક વિસ્તારોમાં ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે.
- મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્વચ્છતા અભિયાનને તેજી આપવામાં આવી રહી છે
- નિયમિત કચરો ઉઠાવવાની કામગીરી થઈ રહી નથી.
આમ વડોદરા શહેરમાં એક તરફ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્વચ્છતા અભિયાનને તેજી આપવામાં આવી રહી છે, પરંતુ બીજી તરફ જ શહેરના અનેક વિસ્તારોમાં ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે. આ પરિસ્થિતિ અભિયાનની અસરકારકતા પર સવાલો ઉભા કરે છે.
જ્યારે ફતેગંજ વિસ્તારમાં આવેલ કોર્પોરેશનની વોર્ડ નંબર 3ની કચેરી સામે જ કચરાના ઢગલા જોવા મળ્યા હતા. નાગરિકોએ ગુસ્સો વ્યક્ત કરતાં જણાવ્યું કે જ્યાં કોર્પોરેશનનું કચેરીસ્થળ હોય ત્યાં જ જો ગંદકીનો ઢગલો જોવા મળે, તો બાકીના વિસ્તારોમાં સ્વચ્છતાની સ્થિતિ કેવી હશે તેની કલ્પના કરી શકાય છે. વધુમાં આક્ષેપ કર્યો કે નિયમિત કચરો ઉઠાવવાની કામગીરી થઈ રહી નથી. કચરાના ઢગલાથી દુર્ગંધ ફેલાઈ રહી છે અને મચ્છર સહિતના જીવાતોનો ઉપદ્રવ વધતો જાય છે, જે આરોગ્ય માટે ખતરો ઊભો કરે છે. નાગરિકોએ તંત્રને તાત્કાલિક પગલા લેવા માંગ કરી છે, જેથી વિસ્તારની ગંદકી દૂર કરી શકાય અને સ્વચ્છતા અભિયાન વાસ્તવિક અર્થમાં સફળ બની શકે.