- અમે સ્મશાનો કોન્ટ્રાક્ટરને આપવાનો વિરોધ કરીએ છીએ, જે લોકો સ્મશાન ચલાવતા હતા, તેમને આપવા જોઇએ – જ્હા ભરવાડ
- છાણી સ્મશાનમાંથી લાકડા લઇ જતા વિરોધ
- કોર્પોરેટર અને અગાઉના સ્મશાનના વહીવટકર્તા વચ્ચે ઉગ્ર બોલાચાલી
- આખરે મામલાનું પોલીસ મથકમાં સમાધાન થયું
વડોદરા પાલિકા દ્વારા 31 સ્મશાનોનો વહીવટ ખાનગી સંસ્થાઓને સોંપ્યા બાદથી જ વિવાદ સામે આવી રહ્યો છે. રોજ નીતનવા કિસ્સાઓ આપણી સામે આવી રહ્યા છે. ગત રાત્રે છાણી સ્મશાન ખાતે લાકડા લઇ જવા મામલે વિવાદ સર્જાયો હતો. સ્મશાનમાંથી આસપાસના ગ્રામજનો લાકડા લઇ જતા, ભારે અફરાતફરી સર્જાઇ હતી. આખરે કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા દરમિયાનગીરી કરીને મામલો થાળે પાડવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાક્રમમાં અગાઉ વહીવત સંભાળતી સંસ્થાના અગ્રણી સતીષ પટેલ ઉગ્ર જણાયા હતા. આખરે આ મામલો પોલીસ મથક પહોંચ્યો હતો, જ્યાં તમામ પક્ષે સમાધાન થયું હતું.
કોંગ્રેસના કોર્પોરેટર જહા ભરવાડે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, છાણીના સ્મશાન બાબતે હરીશભાઇ પટેલ કોર્પોરેટરે ફોન કરતા હું આવ્યો હતો. અહિંયાથી લોકો લાકડા ભરી જતા હતા. તેઓ લાકડા ક્યાં લઇ જતા હોવાનુ પુછતા, સતીષ પટેલે જણાવ્યું કે, નજીકના ગામોમાં હું આપી રહ્યો છું. અમે સમજાવ્યા કે, આ લાકડા છાણી ગામના લોકો ઉપયોગ કરી શકે છે. જે મૃતદેહ લઇને આવે તેઓ તેનો ઉપયોગ કરીને સામે પૈસા લખાવતા હતા. આપણે કેમ આપવાના, આપણે તો ખરેખર સ્મશાનો કોન્ટ્રાક્ટરને આપવાનો વિરોધ કરીએ છીએ, જે લોકો સારી રીતે સ્મશાન ચલાવતા હતા, તેમના ચલાવવા દેવો જોઇએ. પરંતુ આ કિસ્સામાં અમારે કહેવું હતું કે, રાત્રે સ્મશાનના લાકડા કેમ ભરી જાય છે, એટલામાં સતીષ પટેલ અને તેના માણસો આવ્યા, અમારા પર દાદાગીરી કરી હતી, ગેરવર્તણુંક કરી હતી. અમે બંને કોર્પોરેટર છીએ, અમે પુછ્યું એટલે તે ભડક્યા હતા.
આ અંગે સતીષ પટેલનું કહેવું છે કે, પાલિકાએ સ્મશાનોનો વહીવટ ખાનગી સંસ્થાઓને સોંપ્યો છે. આ લાકડા અમે લોકોના સહકારથી ભર્યા હતા. હવે કોન્ટ્રાક્ટરની જવાબદારી છે, બધી સુવિધાઓ પૂરી પાડવાની. તેની સામે પાલિકા તેને પૈસા આપશે. કોન્ટ્રાક્ટર વહીવટ કરતો હોય, તો અમે અમારા લાકડા દાન આપવાના હતા. નજીકના ગામોમાં સરપંચોને બોલાવીને તેને દાનમાં આપી દીધા હતા. આ લાકડા ભરતી વેળાએ કોર્પોરેટર આવ્યા હતા, અને ધમકાવ્યા હતા. તેમણે મારી પાસે હિસાબ પણ માંગ્યો હતો. મેં સામે હિસાબ માંગતા તેઓની બોલતી બંધ થઇ ગઇ હતી.