- પાદરાના લૂણા ગામની ડિપોર્ટ કરાયેલી દિકરીને 25 દિવસ બાદ માતા-પિતાએ હેમખેમ પરત જોતા પિતાની આંખમાં ખુશીના આંસુ આવી ગયા.
અમેરિકામાં નવી ચૂંટાયેલી ટ્રમ્પ સરકારે દેશમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરી રહેલા લોકો સામે કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે. જે હેઠળ અમેરિકામાં ગેરકાયદેસર રીતે ઘૂસીને રહેતા 104 ભારતીયોને તેમના વતન ડિપોર્ટ કરવામાં આવ્યા છે. તેમાં 33 ગુજરાતીઓ છે, તે પૈકીની એક યુવતિ વડોદરા ગ્રામ્યમાં આવતા પાદરાના લૂણા ગામની હતી. યુવતિ પોતાના વતન પરત આવી ગઇ છે. 25 દિવસ બાદ પોતાની દિકરીને હેમખેમ પરત જોતા પિતાની આંખમાં ખુશીના આંસુ આવી ગયા હતા.
વડોદરાના પાદરામાં આવેલા લૂણા ગામની ખુશ્બુ પટેલને અમેરિકાથી ડિપોર્ટ કરવામાં આવી છે. આજે સવારે ખુશ્બુ પટેલ પોતાના વતન આવી પહોંચી હતી. બાદમાં તે પાદરા પોલીસ મથક પહોંચી હતી. જ્યાં તેનું નિવેદન નોંધીને વધુ કાર્યવાહીની તજવીજ હાથ ધરવામાં આવી હતી. આ તકે ખુશ્બુ ની માતા નયનાબહેને મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, મારી દિકરી વિશે જાણ્યું ત્યારથી ટેન્શન હતું. અમારી દિકરી ક્યાં છે તે અમે જાણતા ન્હતા. અમને તેમ હતું કે, દિકરી ગાંધીનગર ગઇ છે. મારી દિકરી પાછી આવી છે. તેનો આનંદ છે.
ખુશ્બુ ના પિતાએ મીડિયાને જણાવ્યું કે, અમે કશું જાણતા ન્હતા. અને આ બધુ થયું છે. મારી દિકરી પાછી આવી ગઇ છે. મીડિયા થકી અમે આ બધુ જાણ્યું છે. મારી દિકરી ઘરે આવી ગઇ છે. હવે મને શાંતિ થઇ છે. મારી દિકરી સુરક્ષિત રીતે આવી ગઇ છે. અમારૂ ઘર ભરાઇ ગયું છે.