ગરીબોના મુખમાંથી કોળિયો છીનવી લેતા કૌભાંડીઓનો વધુ એક કિસ્સો વડોદરા જિલ્લામાં સામે આવ્યો છે. પાદરાના સરકારી અનાજના ગોડાઉનમાંથી ઘઉં, ચોખા અને ચણાનો મોટો જથ્થો ગેરકાયદેસર રીતે બજારમાં વગે કરવાનું કૌભાંડ પોલીસે ઝડપી પાડ્યું છે. આ મામલે પોલીસે ગોડાઉન મેનેજર અને અન્ય બે શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઘટનાની વિગત એવી છે કે, કરજણ પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે નેશનલ હાઇવે પર નર્મદા કેનાલ પાસેની એક આઇસર ગાડીમાં બિલ વગરનો સરકારી અનાજનો જથ્થો પસાર થવાનો છે. પોલીસે તાત્કાલિક વોચ ગોઠવી જીજે-8 પાસિંગની ગાડી રોકીને તપાસ કરતા ડ્રાઇવર કાનાભાઈ મીર પાસેથી કોઈ પણ પ્રકારના બિલ મળી આવ્યા ન હતા. પ્રાથમિક પૂછપરછમાં જ ડ્રાઇવરે કબૂલાત કરી હતી કે આ જથ્થો પાદરા સરકારી ગોડાઉનમાંથી ભરીને અલગ-અલગ વેપારીઓને વેચવા માટે જઈ રહ્યો હતો.
- ચોખા: 50 કિલોના 120 કટ્ટા
- ઘઉં: 50 કિલોના 60 કટ્ટા
- ચણા: 50 કિલોના 5 કટ્ટા
- કુલ અનાજની કિંમત: રૂ. 2.38 લાખ
- કુલ મુદ્દામાલ (ગાડી+મોબાઈલ સાથે): રૂ. 7.48 લાખ
આ કૌભાંડ બહાર આવતા જ પુરવઠા વિભાગ સફાળું જાગ્યું હતું. પાદરાના ગોડાઉન પર દરોડા પાડી તપાસ કરતા મોટો ભાંડો ફૂટ્યો હતો. વડોદરાના ગોડાઉન મેનેજર રમેશભાઈ પટેલે આખરે આ મામલે પાદરાના ઇન્ચાર્જ ગોડાઉન મેનેજર અક્ષય ભાલચંદ્ર પંડ્યા, ડ્રાઇવર કાનાભાઈ મીર અને અક્રમ સલીમ સિંધી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
હાલ પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ અનાજ કયા વેપારીઓને વેચવાનું હતું? અને શું આ નેટવર્કમાં અન્ય કોઈ મોટા માથાઓની સંડોવણી છે? પોલીસની તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે.