Padra

તંત્રની ઘોર નિષ્ક્રિયતા: પાદરામાં ઓપરેટર ગેરહાજર રહેતા જનસેવા કેન્દ્ર બંધ, પ્રજામાં રોષનો જ્વાળા ફાટ્યો

Published

on

  • જનસેવા કેન્દ્રમાં ‘તાળાબંધી’: પાદરા મામલતદાર કચેરીમાં વહેલી સવારથી લાઈનો લાગી છતાં કામકાજ ઠપ્પ; પ્રજા પરેશાન.
  • અધિકારીઓ ગુલ્લીબાજ: ઓપરેટર અને જવાબદાર અધિકારીઓ કચેરીમાંથી ગેરહાજર; કલાકો સુધી રાહ જોતા અરજદારોમાં ભારે રોષ.
  • RTE અને દાખલા માટે દોડધામ: RTE એડમિશન અને આવકના દાખલા મેળવવા માટે વાલીઓ અને વિદ્યાર્થીઓ કાળઝાળ ગરમીમાં લાઈનમાં ઉભા રહેવા મજબૂર.
  • તંત્ર સામે સવાલ: શું ગરીબ જનતાના કામ માટે તંત્ર પાસે સમય નથી? કુંભકર્ણ નિદ્રામાં પોઢેલા અધિકારીઓ ક્યારે જાગશે?

વડોદરા/પાદરા: વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મામલતદાર કચેરીમાં આજે વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. કચેરીના જનસેવા કેન્દ્રમાં કામકાજ બંધ રહેતા દૂર-દૂરથી આવેલા અરજદારોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સરકારી યોજનાઓના લાભ લેવા માટે જરૂરી એવા દાખલાઓ કાઢવા માટે આવેલી જનતાને આજે ધરમના ધક્કા ખાવાનો વારો આવ્યો છે.

સમયની કિંમત કોને?

હાલમાં RTE (Right to Education) હેઠળના એડમિશનની પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે વાલીઓ પોતાના બાળકોના એડમિશન માટે આવકના દાખલા અને અન્ય ડોક્યુમેન્ટ્સ મેળવવા વહેલી સવારથી લાઈનમાં ઉભા રહી જાય છે. કચેરી ખુલવાનો સમય થવા છતાં જનસેવા કેન્દ્ર પર કોઈ ઓપરેટર કે અધિકારી દેખાયા ન હતા. કલાકો સુધી લાઈનમાં ઉભા રહ્યા બાદ પણ જ્યારે બારીઓ ન ખુલી ત્યારે લોકોની ધીરજ ખૂટી હતી.

🧐અધિકારીઓની મનમાની:

અરજદારોનો આક્ષેપ છે કે, વારંવારની રજૂઆતો છતાં મામલતદાર કચેરીના અધિકારીઓ કોઈ સંતોષકારક જવાબ આપતા નથી. એક તરફ સરકાર ડિજિટલ ઇન્ડિયા અને પારદર્શક વહીવટની વાતો કરે છે, ત્યારે બીજી તરફ પાદરા જેવા મહત્વના તાલુકામાં પાયાની સુવિધાઓ આપતી જનસેવા કેન્દ્રમાં ઓપરેટરોની ગેરહાજરી તંત્રની નિષ્ક્રિયતા છતી કરે છે.

🛑લોકોમાં આક્રોશ:

લાઈનમાં ઉભેલા વૃદ્ધો અને નાના બાળકો સાથે આવેલી મહિલાઓએ તંત્ર સામે પોતાનો રોષ ઠાલવ્યો હતો. લોકોની માંગ છે કે જો જનસેવા કેન્દ્ર ચલાવવું જ ન હોય તો તેને બંધ કરી દેવું જોઈએ, જેથી લોકોનો સમય અને પૈસાનો બગાડ ન થાય. શું કોઈ ઉચ્ચ અધિકારી આ બાબતે નોંધ લેશે કે પછી દરરોજ અરજદારોએ આવી જ હાલાકી ભોગવવી પડશે?

🫵પાદરા મામલતદાર કચેરીમાં ચાલતી આ લાલિયાવાડી ક્યારે અટકશે તે જોવું રહ્યું.

Trending

Exit mobile version