વડોદરા જિલ્લાના પાદરામાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. આર્થિક સંકડામણ અને લોનના હપ્તાના માનસિક ત્રાસથી કંટાળીને એક 30 વર્ષીય યુવા ફોટોગ્રાફરે પોતાના જ સ્ટુડિયોમાં આત્મહત્યા કરી લીધી છે. વિવિધ બેંકોના લાખો રૂપિયાના દેવાને કારણે આ યુવાને આત્યંતિક પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
પાદરાની શ્રી માતર સોસાયટીમાં રહેતો 30 વર્ષીય સોહમ જયંતિભાઈ ભાવસાર વ્યવસાયે ફોટોગ્રાફર હતો. સોહમ પાદરામાં જ મધર સ્કૂલ સામે આવેલા ક્રિષ્ના એપાર્ટમેન્ટમાં ’કેપ્ચર ડ્રીમ સ્ટુડિયો’ ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. જોકે, રંગીન ફોટા પાડતા આ યુવાનના જીવનમાં આર્થિક લોનની કાળાશ છવાયેલી હતી.
સોહમે પોતાનો વ્યવસાય વિકસાવવા માટે વિવિધ બેંકો અને ક્રેડિટ કાર્ડ દ્વારા કુલ 40.24 લાખ રૂપિયાની લોન લીધી હતી. આ લોનના હપ્તા પેટે તેણે દર મહિને 1.30 લાખ રૂપિયા ચૂકવવા પડતા હતા. વ્યવસાયમાં આવક ઓછી હોવાને કારણે હપ્તા ભરવામાં તે અસમર્થ હતો, જેના કારણે તે છેલ્લા કેટલાક સમયથી ભારે માનસિક તણાવમાં રહેતો હતો.
ગઈ તારીખ 1 ના રોજ સવારે સોહમ પોતાના સ્ટુડિયો પર ગયો હતો. આર્થિક ભીંસથી કંટાળી તેણે સ્ટુડિયોમાં જ મફલર, હાથ રૂમાલ અને ઓશિકાના કવરના ટુકડા ભેગા કરી દોરડા જેવું બનાવી પંખા સાથે લટકી આત્મહત્યા કરી લીધી હતી. મોડી સાંજે સ્ટુડિયોમાંથી તેની લટકતી લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.બનાવની જાણ થતા જ પાદરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. એક આશાસ્પદ યુવાનના મોતથી તેના પરિવાર પર આભ તૂટી પડ્યું છે.