ટક્કર બાદ બંને હવામાં ફંગોળાઇ માર્ગ પર પટકાયા, બંનેને 108 દ્વારા મકરપુરા હોસ્પિટલ ખસેડાયા
ફરિયાદ મુજબ કાર ચાલકની બેદરકારી અને ઓવરસ્પીડિંગનો આરોપ
વડોદરાના મકરપુરા વિસ્તારમાં ગત બપોરે એરફોર્સ રોડ પર બેદરકારીપૂર્વક હંકારેલી કારની ટક્કરથી બે મિત્રો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. સમગ્ર અકસ્માતની ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હોવાના પ્રાથમિક તારણો સામે આવ્યા છે.
માહિતી મુજબ, મકરપુરા-માણેજા રોડ નજીક વિલ્સર કંપની પાસે રહેતા વિરેન્દ્રકુમાર સરોજ પોતાના મિત્ર સાથે કામ માટે એક્ટિવા સ્કૂટર પર એરફોર્સ રોડ તરફ ગયા હતા. કામ પૂરું કરી બંને પરત માણેજા તરફ જતાં હતાં, એ દરમિયાન સુસેન સર્કલ તરફથી ઝડપ અને બેદરકારીથી આવી રહેલી કારચાલકે રોડ ડિવાઈડરના ગેપ પાસે એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી.
ટક્કર એટલી જોરદાર હતી કે બંને હવામાં ફંગોળાઈ નીચે પટકાયા હતા. એક વ્યક્તિને જમણા પગના ઘૂંટણની નીચે તથા કમરના ભાગે ગંભીર ઈજા થઇ છે, જ્યારે પાછળ બેઠેલા વિરેન્દ્રકુમારને કપાળ, કમર અને ડાબા પગે ઈજા પહોંચી છે. અકસ્માત બાદ બંનેને 108 એમ્બ્યુલન્સ દ્વારા મકરપુરા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
ફરિયાદમાં આરોપ મૂકાયો છે કે કાર ચાલકે પૂર ઝડપે અને ગફલતભરી ડ્રાઈવિંગ કરી હોવાથી અકસ્માત થયો છે. હાલ પોલીસે કાર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી આરંભ કરી છે અને સીસીટીવી ફૂટેજની મદદથી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
અકસ્માત બાદ સ્થાનિક સ્તરે માર્ગ સલામતી અંગે ફરી એક વાર ચિંતા વ્યક્ત થવા લાગી છે. મકરપુરા એરફોર્સ રોડ પર સતત ઓવરસ્પીડિંગની ફરિયાદો વચ્ચે આ ઘટના ફરી ધ્યાન ખેંચતી બની છે.